ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ તિરુવનંતપુરમમાં રમાઇ રહેલી પાંચમી વન-ડેમાં એક મોટી ઉપલબ્ધી મેળવી છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પાંચમી વન-ડેમાં ધોનીએ ભુવનેશ્વર કુમારના બોલ પર વેસ્ટ ઇન્ડિઝના કીરોન પોવેલનો કેચ ઝડપી માહીએ પોતાના નામે એક મોટો રેકોર્ડ નોંધાવ્યો છે.
ધોનીએ વન-ડે ઇન્ટરનેશનલમાં વિકેટ પાછળથી સૌથી વધારે શિકાર ઝડપવાના મામલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ વિકેટકિપર માર્ક વાઉચરનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે જ ધોની વન-ડે ઇન્ટરનેશનલમાં વિકેટ પાછળથી સૌથી વધુ શિકાર ઝડપનારો દુનિયાનો ત્રીજો વિકેટકિપર બન્યો છે.
કીરોન પોવેલ ધોનીનો ૪૨૫મો શિકાર બન્યો છે. ધોનીએ પોતાની વન-ડે કારકિર્દીમાં કુલ ૩૩૨ મેચોમાં ૩૧૦ કેચ અને ૧૧૫ સ્ટમ્પિંગ સાથે કુલ ૪૨૫ શિકાર ઝડપ્યા છે. વન-ડે ઇન્ટરનેશનલમાં ધોનીથી આગળ ઓસ્ટ્રેલિયાના એડમ ગીલક્રિસ્ટ(૪૭૨) અને શ્રીલંકાના કુમાર સાંગાકારા(૪૮૨)નું નામ છે જ્યારે માર્ક વાઉચરના નામે ૪૨૪ શિકાર નોંધાયેલા છે.