કોમોડિટી વાયદા બજારના નિયામક સેબીએ કોમોડિટી વાયદા બજારોના વિકાસ માટે ઘણા નોંધપાત્ર પગલાઓ ભર્યા છે. જેમાનું એક આવકારદાયક પગલુ હાલમાં દેશના અગ્રણી કોમોડિટી વાયદા બજાર એમસીએક્સ પર સોનામાં ઓપ્શન ટ્રેડિંગનો કરાયેલો પ્રારંભ છે. ઓપ્શન ટ્રેડિંગને બજારના સહભાગીઓનો બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે અને વધુને વધુ સહભાગીઓના સમાવેશ માટે એક્સચેન્જ સતત કાર્યરત છે. જેના માટે ઓનલાઈન વેબીનાર પ્રોગ્રામો અને અનેક શહેરોમાં ઓપ્શન ટ્રેડિંગ વિશે જનજાગૃતિના કાર્યક્રમો અને ટ્રેઈનિંગ પ્રોગ્રામોનું આયોજન એક્સચેન્જ કરી રહ્યું છે. આ પ્રકારનો એક મિડીયા ટ્રેઈનિંગ પ્રોગ્રામ મંગળવાર, તા.૧૪ નવેમ્બરના રોજ ભાવનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં અખબાર જગતના અને ટીવી મિડીયાના પત્રકારોએ કોમોડિટી ઓપ્શન વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં બોલતા એમસીએક્સના તાલીમ અને શિક્ષણ વિભાગના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીકાંત કૌન્ડિન્યાએ જણાવ્યું હતું કે, એમસીએક્સ પર સૉપ્રથમ સોનામાં ઓપ્શન કરાયો છે, યુરોપિયન સ્ટાઈલના છે. ઓપ્શનમાં કુલ ચાર પોઝિશનો રહેશે. જેમાં એક બાયર કોલ ઓપ્શન, સેલર કોલ, બાયર પુટ અને સેલર પુટનો સમાવેશ થાય છે. કુલ સ્ટ્રાઈક પ્રાઈસ ૩૧ રહેશે. ભારતીય કોન્ટ્રેક્ટ યુરોપિયન સ્ટાઈલ પ્રમાણેના રહેવાથી પાકતી તારીખ અને એકસરસાઈઝની તારીખ બન્ને એક જ રહેશે.
આ તાલીમ કાર્યક્રમમાં ઓપ્શનના વિવિધ પાસાઓ ઉદાહરણ સાથે વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા હતા. જેમાં ઓપ્શન કોન્ટ્રેક્ટસ શું છે. ઓપ્શન માટે અંડરલાઈંગ તરીકે શું હોઈ શકે છે, ઓપ્શનની ખાસ વિશેષતાઓ કઈ છે, ઓપ્શન્સનો ઉપયોગ શા થાય છે, વાયદાથી ઓપ્શન કઈ રીતે ભિન્ન છે, ઓપ્શન્સના કોન્ટ્રેક્ટના ધારાધોરણો કેવા હશે વગેરે પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.