૩૧ ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગાંધીનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા સમરણાંજલિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિક શાહે બંને મહાન વિભૂતિઓને યાદ કરીને તેમની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી નિશિત વ્યાસ, પ્રદેશ પ્રવકતા ડૉ.હિમાંશુ પટેલ સહિતના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે સરદાર સાહેબ અને ઈન્દિરા ગાંધીએ ચિંધેલા માર્ગે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહે કહ્યું હતું કે, ‘પીએમ મોદી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે તે સારી બાબત છે પણ સરદાર સાહેબ પ્રતિમાના મોહતાજ નથી, તે સ્વયં એટલા ઉંચેરા માનવી છે કે તેમના ચિંધેલા રાહ પર મોદી એક પગલું પાડે તોય ઘણું છે.’
લોકસભાની ચૂંટણી દરેક પક્ષને સામે દેખાય રહી છે ત્યારે ગુજરાત કૉંગ્રેસ પણ તૈયારીઓમાં ધીમે ધીમે જોતરાઇ ગયું છે. રાષ્ટ્રીય કોંગ્રેસ વધુ એક અભિયાન ગુજરાતથી શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન પાછળ કોંગ્રેસનો હેતુ ઈન્દિરા ગાંધી જેવુ સબળ નેતૃત્વ શોધવાનો છે. એટલે કે ઈન્દિરા ગાંધીની શોધ કોંગ્રેસ કરવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી બાદ કોંગ્રેસ પોતાની વિદ્યાર્થી પાંખ NSUIમાં વિદ્યાર્થીનીઓની ભરતી શરૂ કરશે. જેને પ્રિયદર્શીની બ્રિગેડ નામ આપવામાં આવ્યું છે.
ભરતી બાદ આ પ્રિયદર્શીની બ્રિગેડને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવશે અને આ તાલીમબદ્ધ વિદ્યાર્થીનીઓને ચૂંટણી જંગમા ઉતારવામાં આવશે. આમ એક રીતે કોંગ્રેસ પોતાના સ્વર્ગસ્થ નેતા ઈન્દિરા ગાંધી જેવા નેતૃત્વની શોધ શરૂ કરતી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે NSUI માં જોડાનાર વિદ્યાર્થીનીઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માં ચૂંટણી લડવી હશે તો તેમને તક આપવામાં આવશે. જોકે હકીકત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા અનામતની જે વાત છે તેમાં કોંગ્રેસને મહિલા ઉમેદવારો મળતા નથી અથવા તો શિક્ષિત મહિલા ઉમેદવારો મળતા નથી.