સેક્ટર ૨૮માં આવેલા વિખ્યાત બાલોદ્યાનનું ૧૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની યોજના મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. પરંતુ નવા આકર્ષણ ઉમેરાવાના કારણે કામ પૂર્ણ થવામાં સતત વિલંબ થઇ રહ્યો છે. બે મહિનાથી બંધ રાખવામાં આવેલા બાલોદ્યાનને જોકે દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને ૨ નવેમ્બરથી ખુલ્લો મુકી દેવા નિર્ણય લેવાયો છે.
આ સાથે જ અહીં ઉમટી પડતા સહેલાણીઓને બેબી ટ્રેન અને બોટિંગની મજા માણવા મળશે. પરંતુ ગ્રામ હાટ અને એમ્યુઝમેન્ટ પાર્કનું કામ બાકી છે. પરિણામે સમગ્ર યોજનાના લોકર્પણનો જશ હવે મહાપાલિકામાં આવનારા નવા પદ્દાધિકારીઓને જ મળશે. પરંતુ તે પહેલા નગરવાસીઓને બાલોદ્યાનમાં મ્હાલવાની દિવાળી ભેટ તો મળી જ જશે.
સિટી ઇજનેર ભરત પંડ્યાએ જણાવ્યું કે બાલોદ્યાનમાં નવીનીકરણનું કામ પૂણ૪ થતાં હજુ વાર લાગશે અને અગાઉ નવેમ્બર મહિના બાદ જ બાલોદ્યાન ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ હાલમાં દિવાળીના વેકેશન દરમિયાન નગર વાસીઓને સાનુકૂળતા રહે તેના માટે બાલોદ્યાનને ખુલ્લો મુકવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સહેલાણીઓના સૌથી મોટા આકર્ષણ સમાન બોટિંગ અને બેબીટ્રેન ચાલુ કરી દેવામાં આવશે.
દરમિયાન એમ્યુઝમેન્ટ પાર્ક અને ગ્રામ હાટ સંબંધિ કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ સહિતની તમામ કામગીરી પૂર્ણ થયા બાદ જ સત્તાવાર લોકાર્પણ સમગ્ર યોજનાનું કરવામાં આવશે.