સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા મૂળ ગુજરાતી અને અમદાવાદના એવા ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી આર.સુભાષ રેડ્ડી, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી હેમંત ગુપ્તા અને ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અજય રસ્તોગીની સુપ્રીમકોર્ટના જજ તરીકે બહુ મહત્વની ભલામણ કરાયા બાદ આજે મોડી સાંજે આ તમામ ચાર ચીફ જસ્ટિસના સુપ્રીમકોર્ટના જસ્ટિસ તરીકેના સત્તાવાર વોરંટ આવી ગયા હતા અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સત્તાવાર રીતે ઉપરોકત ચારેય મહાનુભાવોની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે વિધિવત્ અને અધિકૃત નિયુકિત કરવામાં આવી હતી. હવે આવતીકાલે તા.૨જી નવેમ્બર, શુક્રવારના રોજ આપણા ગુજરાતના સૌથી લોકપ્રિય અને અમદાવાદના એવા વરિષ્ઠ ન્યાયમૂર્તિ એમ.આર.શાહ ઉપરાંત આર.સુભાષ રેડ્ડી, હેમંત ગુપ્તા અને અજય રસ્તોગીનો ભવ્ય શપથવિધિ સમારોહ સુપ્રીમકોર્ટ ખાતે યોજાશે. જેમાં તેઓ હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. ગુજરાત રાજય માટે એક બહુ ગૌરવપૂર્ણ ઘટના હશે. આપણા ગુજરાતી અને મૂળ અમદાવાદના એવા પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એમ.આર.શાહની સુપ્રીકોર્ટના જસ્ટિસ તરીકે નિયુકિત થતાં ગુજરાતના ન્યાયતંત્ર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. કારણ કે, ગુજરાતના ન્યાયતંત્ર માટે આ બહુ મોટી અને ગૌરવપૂર્ણ ઘટના છે. બે મહિના પહેલાં શહેરમાં બિસ્માર રસ્તાઓ, આડેધડ પાર્કિંગ અને રખડતા ઢોરોની સમસ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રી એમ.આર.શાહે અમ્યુકો, પોલીસ તંત્ર સહિતના સત્તાધીશોને કરેલા અસરકારક નિર્દેશોનું જ પરિણામ છે કે, હાલ અમદાવાદ અને રાજયના મોટા શહેરોમાં ટ્રાફિક નિયમન, આડેધડ પાર્કિંગ, ગેરકાયદે બાંધકામો-દબાણો દૂર કરવા અંગે અસરકારક ડ્રાઇવ ચાલી રહી છે.
જસ્ટિસ એમ.આર.શાહના બાહોશીભર્યા અંદાજ અને જ્ઞાનસભર તેમ જ અભ્યાસુ ચુકાદાઓને લઇને માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશના ન્યાયતંત્રમાં તેમણે એક અનોખુ ઉદાહરણ અને પ્રેરણા પૂરા પાડયા હતા.
ગુજરાતના ન્યાયતંત્રમાં જસ્ટિસ શ્રી એમ.આર.શાહે સોનેરી ઇતિહાસ રચી તેમની છબી યાદગાર બનાવી દીધી છે. ગુજરાતભરના લોકોમાં આટલી બધી લોકપ્રિયતા અને અદ્ભુત લોકચાહના મેળવનાર તેઓ એકમાત્ર જજ છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હોય કે બિસ્માર રસ્તાઓની વાત, સાદીક જમાલ એન્કાઉન્ટર કેસ હોય કે, પછી પ્રજાજનોના આરોગ્ય અને પ્રાથમિક બુનિયાદી સુવિધાઓની વાત હોય. અનેકવિધ બાબતોને લઇ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહે અનેક સીમાચિહ્નરૂપ અને દૂરોગામી અસરો પાડનારા અતિ મહત્વના ચુકાદાઓ આપી સમગ્ર ન્યાયતંત્રમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું અને ગુજરાત ન્યાયતંત્રમાં એક સોનેરી ઇતિહાસ રચ્યો હતો. તેમની અસાધારણ કામગીરીથી પ્રભાવિત થઇને જ વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહની બિહારની પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ઓગસ્ટ મહિનામાં નિયુકિત કરવામાં આવી હતી, ત્યાં પણ ચીફ જસ્ટિસ એમ.આર.શાહે સીબીઆઇ, દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાઓના સહિતના કેસોમાં ખૂબ જ મહત્વના નિર્દેશો જારી કર્યા હતા અને ત્યાંની જયુડીશીયલ સીસ્ટમમાં પણ નોંધપાત્ર અને બહુપયોગી સુધારાની અમલવારી કરી હતી. જેની હકારાત્મક નોંધ લઇ અને તેમની અસાધારણ કામગીરીને ધ્યાનમાં લઇને જ સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા તેમની સુપ્રીમકોર્ટના જજ તરીકે નિયુકિત માટે પસંદગીની મ્હોર મારી હતી. આજે શ્રી એમ.આર.શાહ ઉપરાતં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી હેમંત ગુપ્તા અને ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અજય રસ્તોગીના સુપ્રીમકોર્ટ જજ તરીકેના સત્તાવાર વોરંટ આવી જતાં હવે આવતીકાલે સુપ્રીમકોર્ટમાં આ ચારેય મહાનુભાવો સુપ્રીમકોર્ટ જજ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. આવતીકાલના શપથવિધિ સમારોહમાં નવનિયુકત આ ચારેય સુપ્રીમકોર્ટ જજીસના પરિવારજનો ઉપરાંત, કાયદાજગત અને ન્યાયતંત્રના પદાધિકારીઓ અને સરકારના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.