કૃષિ મંત્રી આર.સી.ફળદુ જણાવ્યુ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. જે મુજબ ખેડૂતોને પાક ઉત્પાદનના વ્યાજબી ભાવ મળે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી પણ કરાય છે જેના ભાગ રૂપે ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આજ થી ઓન લાઇન પ્રક્રિયાનો રાજય વ્યાપી શુભારંભ થયો છે. માત્ર બે કલાકના સમયગાળામાં જ ૪૦૬૫ જેટલા ખેડુતોએ ઓન લાઇન નોંધણી કરાવી છે. જેમાં ૪૭૦૮ હેકટર વિસ્તારનું ઉત્પાદન થયુ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના તમામ માર્કેટ યાર્ડો બંધ છે તે વાત સત્ય થી વેગળી છે એમ જણાવી મંત્રી ફળદુએ ઉમેર્યું કે, રાજકોટ અને જેતપુર યાર્ડ સિવાય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ બજાર સમિતિમાં ઓન લાઇન નોંધણી પ્રક્રિયા પુર જોશમાં ચાલી રહી છે. મંત્રી ફળદુએ ઉમેર્યું કે, રાજયમાં અંદાજે ૨૬.૯૨ લાખ મેટ્રીક ટન ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી આગામી ૧૫ મી નવેમ્બર ૨૦૧૮થી શરૂ કરાશે રાજયમાં ૧૨૨ સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રીયા હાથ ધરવા માટે તથા છેવાડાના ખેડૂતોને લાભ થાય તે હેતુ સર જે ગામમાં ખેડૂત પાસે ૭/૧૨ના દાખલો નહી હોય તો ગ્રામ સેવકના દાખલાના આધારે પણ ઓન લાઇન નોંધણી કરવાનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય પણ રાજય સરકારે કર્યો છે. મંત્રીએ કહ્યુ કે, રાજયના ખેડૂતોની મગફળીની ખરીદી ટેકાના ભાવે પારદર્શી રીતે થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે અને આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઇ છે. તેમણે ઉમેર્યું કે રાજયમાં ભાવાન્તર યોજનાથી મગફળીની ખરીદી કરવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ તથા ભારતીય કિસાન સંઘના હોદેદ્દારોને મધ્યપ્રદેશ યોજનાના અભ્યાસ માટે મોકલાયા હતા તથા આ સંદર્ભે એપીએમસીના ચેરમેનને આ સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા છે.
અને તેઓશ્રી દ્વારા પણ ટેકાના ભાવે ખરીદી કરવા ઉત્સાહભેર સહયોગ આપવનો નિર્ણય કરાયો છે અને રાજયમાં ટેકાના ભાવે ખરીદીની પધ્ધતિ અમલમાં ચાલુ રાખવા તેઓશ્રી દ્વારા પણ જણાવાયુ હોવાથી ખેડૂતોના હિતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય ચાલુ રાખ્યો છે મુખ્યમંત્રી ભાવાન્તર યોજના દ્વારા મગફળીની ખરીદી થાય તેવું દલાલ મંડળ અને વેપારીઓ ઇચ્છી રહ્યા છે. તેઓને પણ રાજય સરકાર દ્વારા વિનંતી કરાઇ છે કે આપ પણ જો આ યોજના વિશે માહિતગાર થવા માંગતા હોય તો તેઓને પણ સંપૂર્ણ માહિતી આપવા રાજય સરકાર પ્રયત્નશીલ છે. રાજયમાં ભાવાન્તર યોજના અમલમાં મુકવામાં આવે તો આ યોજનામાં ગુજરાત અને અન્ય મગફળી પકવતા રાજયોની અઠવાડીક મોડલ પ્રાઇઝનો આધાર લેવાની જોગવાઇ હોઇ ખુલ્લા બજારો ઉંચા જાય તો સ્વાભાવિક રીતે ખેડૂતોને ફાયદો ન થાય. ખેડૂતોને ટેકાના ભાવ કરતાં અંદાજે ૧૦૦ થી ૨૫૦ રૂપિયા પ્રતિ ક્વીન્ટલ નુકશાન થવાની સંભાવના હોઇ ટેકાના ભાવે જ ખરીદી કરવી ખેડૂતોના હીતમાં હોઇ નિર્ણય કરાયો છે.