ગુજરાતભરમાં થયેલ માર્ગ અકસ્માતોમાં ૧૫થી વધુના વ્યકિતોના મોત નિપજયાં

935
guj15112017-6.jpg

ગુજરાતમાં  ગુલાબી ઠંડીની શરૂઆત સાથે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહયો છે. આજે મંગળવારની સવાર ગોઝારી સાબિત થયો હતો અને ગુજરાતભરમાં જુદા જુદા માર્ગ અકસ્માતોમાં ૧૫ થી વધુના મોત નીપજયા છે. જયારે ૪૦થી વધુને ઈજાઓ પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહયું છે.
મળતી માહિતી અનુસાર અકસ્માતનો પ્રથમ બનાવ અરવલ્લી જિલ્લામાં બન્યો હતો જેમાં ઝાલોદના કાદવડ ગામના શ્રમિકો ટ્રેકટરમાં બેસી મજુરી કામ અર્થે પાટણ જઈ રહયા હતા. વહેલી સવારે અંધારામાં ટ્રેકટરના ચાલકે ઉભેલી ટ્રક નહી જોતાં ફુલ સ્પીડમાં પસાર થતું ટ્રેકટર ટ્રકને પાછળથી ભટકાયું હતું જેના પરિણામે ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને ટ્રેકટરમાં બેઠેલા તમામ પ્રવાસીઓ ઉછળીને રસ્તા પટકાયા હતા જયારે કેટલાક લોકો દટાયા હતા આ ગોઝારા અકસ્માતમાં ટ્રેકટરમાં બેઠેલા ૬ શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજયા હતાં. જયારે ૧પથી વધુને ઈજાઓ પહોંચતા આસપાસની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડી તેઓને તાત્કાલિક સારવાર મળે તે માટેનો બંદોબસ્ત કર્યો હતો. આ ઘટનાથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.અકસ્માતનો બીજો બનાવ વિસનગર પાસે બન્યો હતો. કોંગ્રેસના 
ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગઈકાલે ઉત્તર ગુજરાતના પ્રવાસે હતા આ દરમિયાન મહેસાણા, પાટણ સહિત અનેક સ્થળોએ તેમણે જાહેરસભાઓને સંબોધી હતી. આ પૈકી એક જાહેરસભામાં કેટલાક કોંગ્રેસના કાર્યકરો વેગનઆર ગાડી લઈ પરત ફરી રહયા હતા ત્યારે વિસનગર-
 પાલડી રોડ પર અચાનક જ ડ્રાયવરને ઝોકુ આવી જતા વેગનઆર ગાડી પલ્ટી ખાઈ રસ્તાની બાજુના ખાડામાં પડી ગઈ હતી.આ દરમિયાન બાઈક પર ત્રણ યુવકો પાછળ આવી રહયા હતા તેમણે આ દ્રશ્ય જોતા કારમાં બેઠેલા યુવકોની વહારે દોડી આવ્યા હતા. પોતાનું બાઈક રોકી રાખી આ ત્રણેય યુવકો ઈજાગ્રસ્તોની મદદ કરવાની તૈયારી કરી રહયા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલી સેન્ટરો કારે આ ત્રણેય યુવકોને અડફેટમાં લીધા હતા અને ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ થતાં તમામના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજયા હતાં  આ ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે સેન્ટો કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો અન્ય એક બનાવ અરવલ્લીના ધનસુરા પાસે બન્યો હતો. વિરપુર ડેપોની એસ.ટી. બસ વહેલી સવારે મોડાસા જવા રવાના થઈ હતી આ દરમિયાનમાં બસ ધનસુરાથી પ કિ.મી. દુર હશે ત્યારે હાઈવે પર અન્ય એક વાહનનો ઓવરટેક કરવા જતાં એસ.ટી. બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો જેના પરિણામે એસ.ટી.બસ રસ્તાની સાઈડમાં પલ્ટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. નિયમિત વહેલી સવારની આ બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેઠેલા હતાં. બસમાં બેઠેલી ૧પ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક એમ્બ્યુલન્સના કાફલાને ખડકી દેવામાં આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને નજીકની બાયડ અને વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતાં. ઈજાગ્રસ્તોમાં ૭ વિદ્યાર્થિનીઓનો પણ સમાવેશ થાય છે. 
આ ઉપરાંત નવસારી પાસે વહેલી સવારે પુરઝડપે પસાર થતી બાઈક સ્લીપ થતાં તેના ચાલકનું સ્થળ પર જ મોત નીપજયું હતું. આ ઉપરાંત અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર વહેલી સવારે પુરઝડપે પસાર થતી કાર ટ્રકની પાછળ ઘુસી જતાં એક વ્યક્તિનું સ્થળ પર મોત નીપજયું હતું. જયારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજયમાં અન્ય અકસ્માતોના બનાવોમાં વધુ ૪ જેટલી વ્યક્તિઓના મોત નીપજયા હોવાનું જાણવા મળી રહયું છે.
 

Previous articleમતદાર જાગૃત્તિ માટે બાઈક રેલીનું આયોજન…
Next articleરાહુલ ગાંધી ફરી ગુજરાતમાં રૉડ-શૉ,જાહેરસભા કરશે