મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઇને કોંગ્રેસની અંદર ચાલી રહેલી રાજકીય ખેંચતાણ આજે સપાટી ઉપર આવી હતી. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને વરિષ્ઠ નેતા દિગ્વિજય આમને સામને આવી ગયા હતા. બંને નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાં સાથે મળીને ચૂંટણી લડવા અને પાર્ટીની અંદર ખેંચતાણને દૂર કરવા રાહુલ લાગેલા છે ત્યારે તેમની રણનીતિને એક મોટો ફટકો પડ્યો છે. ભાજપે કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણ અંગે તરત જ પ્રતિક્રિયા આપી છે. રાહુલના નેતૃત્વ પર ભાજપે પ્રશ્નો ઉઠાવ્યા છે.
ઉમેદવારોની પસંદગીના મુદ્દે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોતપોતાના સમર્થકોને ટિકિટ અપાવવાના મુદ્દે દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી લાંબા સમય સુધી ચાલી હતી. ભાજપ પ્રવક્તાએ સંબીત પાત્રાએ કહ્યું છે કે, બંને નેતાઓમાં ઝપાઝપી સુધીની સ્થિતિ ઉભી થઇ ગઈ હતી. રાહુલ ગાંધી માત્ર જોતા જ રહ્યા હતા. રાહુલ ગાંધી પણ ખુબ નારાજ દેખાયા હતા. આ સમગ્ર વિવાદને ઉકેલવા માટે રાહુલે ત્રણેય વરિષ્ઠ નેતાઓની કમિટિ બનાવી છે જેમાં અશોક ગહેલોત, અહેમદ પટેલ અને વિરપ્પા મોઇલીનો સમાવેશ કરાયો છે. આંતરિક વિરોધ હજુ જારી રહે તેમ માનવામાં આવે છે. આ મહિને ૨૮મી નવેમ્બરના દિવસે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ભાજપ છેલ્લા ૧૫ વર્ષથી મધ્યપ્રદેશમાં સત્તા ઉપર છે. આ વર્ષે કોંગ્રેસે ભાજપ પાસેથી મધ્યપ્રદેશ આંચકી લેવા તમામ તાકાત લગાવી દીધી છે. કમલનાથ અને જ્યોતિરાદિત્યને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. દિગ્વિજય પર ઓછો વિશ્વાસ રખાયો છે.