સીબીઆઈની અંદર ચાલી રહેલા ઘમસાણ વચ્ચે આજે દિલ્હી હાઈકોર્ટમાં એજન્સીએ રજા ઉપર મોકલવામાં આવેલા ખાસ અધિકારી રાકેશ અસ્થાનાની અરજીનો વિરોધ કર્યો હતો. અસ્થાનાએ પોતાની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરીને અરજી દાખલ કરી હતી.
સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, ખાસ નિર્દેશક રાકેશ અસ્થાના અને અન્ય લોકોની સામે લાંચરુશ્વતના આરોપોમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર ગંભીર પ્રકારના અપરાધને દર્શાવે છે.
ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને ખાસ નિર્દેશક રાકેશ અસ્થાનાની સામે કાર્યાહીના મામલામાં ૧૪મી નવેમ્બર સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો માટેનો આદેશ જારી કર્યો હતો. એજન્સીએ એફઆઈઆર રદ કરવાની અસ્થાનાની અરજીનો વિરોધ કરી કહ્યું હતું કે, આ સ્તર પર તપાસને રોકવાની બાબત યોગ્ય નથી. સીબીઆઈએ કોર્ટમાં એવી દલીલ પણ કરી હતી કે, અસ્થાનાની સામે તપાસ હાલમાં પ્રાથમિક તબક્કામાં છે. જુદા જુદા દસ્તાવેજો અને અન્ય લોકોની ભૂમિાકના મામલામાં તપાસ ચાલી રહી છે. એજન્સીએ કોર્ટમાં કહ્યું હતું કે, તપાસમાં તેમના હાથ બંધાયેલા છે. કારણ કે કેટલીક ફાઇલો અને દસ્તોજો સીવીસીની ચકાસણી હેઠળ છે. સીબીઆઈએ અસ્થાના દ્વારા મુકવામાં આવેલા તમામ પરોક્ષ આક્ષેપોને ફગાવી દીધા હતા. સીબીઆઈએ એફઆઈઆરમાં અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમાર પર બળજબરીપૂર્વક વસુલી રેકેટ ચલાવવાનો આક્ષેપ કર્યો હતો. એફઆઈઆરમાં અસ્થાના પર માંસ કારોબારી મોઇન કુરેશી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લાંચ લેવાનો પણ આક્ષેપ મુકવામાં આવ્યો હતો. અસ્થાનાની સામે પ્રાથમિક અપરાધને એફઆઈઆર સાબિત કરે છે. હાલમાં યથાસ્થિતિનો આદેશ સીબીઆઈને કોર્ટે કર્યો છે પરંતુ આગામી દિવસો અસ્થાના સામે મુશ્કેલરુપ રહેશે.