તેલંગણા વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે હવે વીવીઆઇપી લોકોના પ્રવાસ શરૂ થનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓ તેમની પાર્ટીના નેતાઓ માટે પ્રચાર કરનાર છે. આવી સ્થિતીમાં સાવધાની વધારે રાખવી પડશે. કારણ કે તેલંગણામાં માઓવાદી હુમલાનો ખતરો વધી ગયો છે. વીવીઆઇપી લોકોના પ્રવાસ પહેલા એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
એમ કહેવામાં આવે છે કે તેલંગણાના ઇન્ટેલિજન્સ ચીફ નવીન ચંદે ગુપ્તચર ઇનપુટ્સને લઇને એક જોરદાર રજૂઆત પણ કરી દીધી છે. જેમાં નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં પોલીસની તૈયારીના સંબંધમાં માહિતી આપવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયની ટીમો પણ વીવીઆઇપી પ્રવાસ પહેલા નક્સલવાદી પ્રભાવિત જિલ્લામાં અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની તૈયારીને લઇને પગલા લઇ રહી છે. આગામી કેટલાક દિવસમાં મોદી ચૂંટણી પ્રચાર કરનાર છે. વડાપ્રધાન મોદી હૈદરાબાદ, સુર્યપેટ અને નિજામાબાદ જેવા વિસ્તારમાં પ્રચાર કરનાર છે. જો કે તેમના કાર્યક્રમ હજુ નક્કી કરવામાં આવ્યા નથી. રાહુલ ગાંધી અને અમિત શાહ પણ સાતમી ડિસેમ્બરના દિવસે યોજાનાર ચૂંટણી પહેલા રાજ્યના કેટલાક ચક્કર લગાવી શકે છે. સુરક્ષા તૈયારી જોરદાર રીતે કરવામાં આવી રહી છે. આગામી થોડાક દિવસમાં વિધાનસભાની ચૂંટણીને લઇને મોદી અને રાહુલ ગાંધી સહિત તમામ આક્રમક ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થશે ત્યારે માઓવાદીઓ પરિસ્થિતિનો લાભ લઇ હુમલો ન કરે તે માટે સુરક્ષા દળો સાવધાન થઇ ગયા છે. તેલંગાણા પોલીસે અર્ધલશ્કરી દળોની ૩૦૦ કંપનીઓની માંગ કેન્દ્ર સરકાર પાસેથી કરવામાં આવી છે. જે પૈકી ૩૦ કંપનીઓ પહેલાથી જ પહોંચી ચુકી છે.