વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરોધી મોરચો બનાવવાની કવાયત તીવ્ર થઇ ચુકી છે. થોડાક મહિના પહેલા એનડીએથી અલગ થઇ ચુકેલા ટીડીપી વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ આ મિશનમાં જોરદારરીતે લાગેલા છે. આજ હેતુસર આજે નાયડુ દિલ્હીમાં હતા. નાયડુએ એનસીપી પ્રમુખ શરદ યાદવ અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા સાથે બેઠક યોજી હતી. તમામ દળોના નેતાઓ સાથે બેઠકોને લઇને નાયડુ પહેલાથી જ ખુલાસો કરી ચુક્યા છે કે, રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી દળોનું ગઠબંધન બનાવવા તેમની ભૂમિકા રસ્તો કરનાર તરીકેની છે. આજે બેઠક બાદ નાયડુએ કહ્યું હતું કે, આ મુલાકાતોનો હેતુ દેશને બચાવવાનો છે. મહા બેઠક બાદ ચંદ્રબાબુએ ફારુક અબ્દુલ્લા અને શરદ પવાર સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પહેલા શરદ પવારે કહ્યું હતું કે, નાયડુએ સૂચન કર્યું છે કે, તમામ પક્ષોને સાથે મળીને લડવાની જરૂર છે. આજની આ મુલાકાતનો ઉદ્દેશ્ય એજ રહ્યો હતો. અમારુ મિશન દેશ અને લોકશાહીને બચાવવા માટેનું રહ્યું છે. સીબીઆઈ સંકટનો ઉલ્લેખ કરતા ફારુકે કહ્યું હતું કે, દેશના હાલના સમયે મુશ્કેલ સ્થિતિમાં છે. લોકશાહી ખતરામાં છે. આજ કારણસર આજે અમે મળ્યા છે. કોમન મિનિમમ પ્રોગ્રામની વાત કરી હતી. નાયડુએ શરદ પવારને દેશના મોટા નેતા તરીકે ગણાવીને પોતાને નાના નેતા તરીકે ગણાવ્યા હતા. લોકશાહી અને તપાસ સંસ્થાઓની સ્થિતિ સારી દેખાઈ રહી નથી.
બીજા નેતાઓ સાથે પણ વાતચીત થઇ છે. નાયડુએ કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે પણ વાતચીત થઇ છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે તમામ પક્ષોને એક સાથે લાવવામાં આવે તે જરૂરી છે. ભાજપના સાથી રહી ચુકેલા નાયડુએ આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો ન મળવાથી નારાજ થઇને આ વર્ષની શરૂઆતમાં એનડીએ સાથે છેડો ફાડી દીધો હતો. ૨૭મી ઓક્ટોબરના દિવસે નાયડુએ દિલ્હીમાં બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને ફારુક સાથે બેઠક યોજી હતી. રાજકીય ઘટનાક્રમનો દોર જોરદારરીતે ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં તમામ ક્ષેત્રિય પક્ષો પોતપોતની મહત્વકાંક્ષાઓ સાથે રણનીતિ બનાવવામાં લાગેલા છે. આવી સ્થિતિમાં નાયડુ પોતે પણ ભાજપ વિરોધી મોરચાને લઇને સક્રિય છે. માયાવતી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પણ જુદા જુદા મોરચાને લઇને આગળ વધી રહ્યા છે.