છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પત્ની રેણુ જોગીએ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને એક પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો છે. કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવા ઈન્કાર કરાયા બાદ તેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. રેણુ જોગીએ કોટા બેઠક પરથી કોઈપણ હાલમાં ચૂંટણી લડવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસ દ્વારા આ બેઠક પરથી વિભોર સિંહને ઉમેદવાર તરીકે ઉતારવા પસંદગી કરી છે. જો કે રેણુ કોટા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે. રેણુ જોગીએ પોતાના પત્રમાં સોનિયા ગાંધીને જણાવ્યું કે તેમના પતિ અજિત જોગીએ કોંગ્રેસમાંથી છેડો ફાડી અલગ પક્ષ જનતા કોંગ્રેસની ૨૦૧૬માં સ્થાપના કરી ત્યારબાદ સંખ્યાબંધ રાજકીય નેતાઓ દ્વારા તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
‘મને એ જણાવતા અત્યંત દુઃખ થઈ રહ્યું છે કે, મહિલા કાર્યકરની નિષ્ઠા અને ત્યાગને ઓળખવા માટે પ્રદેશ કોંગ્રેસમાં નૈતિકતા મરી પરવારી છે. તમે સંકોચમાં લાગી રહ્યા છો જેથી તમે યોગ્ય નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છો,’ તેમ રેણુ જોગીએ યુપીએ ચેરપર્સનને પત્રમાં જણાવ્યું હતું.
જો કે તેમણે આગામી શું રણનીતિ છે તે જણાવવા ઈન્કાર કર્યો હતો પરંતુ તેઓ કોટા બેઠકથી કોઈપણ હાલમાં ચૂંટણી લડવા મક્કમ છે તેમ જણાવ્યું હતું. ‘હું કોટા બેઠક પરથી ચૂંટણી લડીશ અને સાબિત કરીશે કે સત્ય મૌન હોઈ શકે છે પરંતુ તેને હરાવી શકાતું નથી. મારું માનવું છે કે અંતે સત્યનો જય થશે.’