ગાંધીનગરમાં રાજયની યુવા પોલિસીના ધડતર માટે યોજાયેલ બે દિવસીય સેમિનારનો દીપ પ્રગટાવી ઉદૂધાટન કર્યા બાદ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ વી.પી. પટેલે જણાવ્યું હતું કે, અસરકારક યુવા નિતીઓ સક્ષમ પરિસ્થિતિ નિર્માણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જેના થકી યુવાનો તેમના સંપૂર્ણ સામર્થ્ય અને મહત્વકાંક્ષાઓ ઉજાગર કરી શકે છે. રાજયના વિવિધ વિકાસ કાર્યક્રમોમાં યુવાનો કેન્દ્ર સ્થાને છે. રાજય સરકારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે બજેટની ફાળવણી રૂ. ૫૮૦ કરોડ કરી છે. વર્ષ- ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ૨૯ વર્ષ સુધીના યુવાનોની સંખ્યા ૨ કરોડથી વધુ છે. જેની ટકાવારી ૩૮.૨૧ ટકા થવા જાય છે. રાજયની ભૌગોલિક પરિસ્થિતિ આધારિત યુથ પોલીસી નક્કી થાય તો જ સ્થાનિક યુવાનોના પ્રશ્નો હલ થશે. રાજયનું યુવાધન ધુમ્રપાન, તમાકુ, ગુટકા અને અન્ય વ્યસનોથી મુક્ત રહે અને ગુજરાતના યુવાનો વિકાસ માટે વધુ સક્ષમ બની પોતાની સંપુર્ણ ક્ષમતાઓ પ્રાપ્ત કરે તે માટે વિવિધ માર્ગદર્શન પુરું પાડયું હતું.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર સતીશ પટેલે જણાવ્યું હતું કે, રાજયના શિક્ષણ, આરોગ્ય અને શ્રમ – રોજગાર વિભાગોના સંકલન દ્વારા રાજયની યુથ પોલીસી વધુ અસરકારક બને તે હેતુથી વિવિધ વિભાગોને સાંકળી લઇ આ બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક પરિવર્તન, આર્થિક વિકાસ અને ટેકનોલોજી સંશોધન માટે દેશના યુવાનો મુખ્ય માનવ સ્ત્રોત છે. સતત વિકાસ માટે યુવાનોની કલ્પના, આદર્શ, ઉર્જા અને વિઝન આવશ્યક છે. નિરંતર વિકાસ ધ્યેય ૨૦૩૦ પ્રાપ્ત કરવા માટેનો આધાર યુવાનો છે. તેમણે ગુજરાતમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંદર્ભે ખેલ મહાકુંભ, કલામહાકુંભ, યુથ પ્રવૃત્તિઓ, વ્યક્તિત્વ વિકાસ, ઉત્તરાર્ધ, વસંતોત્સવ, બાળ યુવા સ્પર્ધાઓ, દિવ્યાંગો માટે સાંસ્કૃતિક કાર્યક્રમમો અને રમતગમત ક્ષેત્રે યુવાનોને અપાતા વિવિધ એવોર્ડ સહિતની પ્રવૃત્તિઓનું પ્રેઝેન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.
નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારી આર.કે.મિશ્રાએ દેશની યુવા નિતી અસરકારક બને તથા રાષ્ટ્રીય એકતા, મૂલ્યો અને સામાજિક સંવાદિતાને વધુ પ્રોત્સાહન મળે તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. રાજયની યુથ પોલીસીના ધડતર માટે યોજાયેલ આ બે દિવસના સેમિનારમાં સિવીલ સોસાયટી આર્ગેનાઇઝેશન, યુથ આર્ગેનાઇ ઝેશન, યુવા વિકાસ માટેના અગત્યના પરિબળો, ગ્રૃપ ચર્ચા દ્વારા યુવા વિકાસના એકશન પ્લાન અંગે વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ થનાર છે. બેઠકમાં રાજયના નહેરૂ યુવા સંગઠન, યુવા સંગઠનના હાદ્દેદારો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, શિક્ષણ આરોગ્ય અને શ્રમ- રોજગાર વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.