સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે શાહે લીધા શપથ

543

સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા મૂળ ગુજરાતી અને અમદાવાદના એવા  ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી આર.સુભાષ રેડ્ડી, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી હેમંત ગુપ્તા અને ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અજય રસ્તોગીએ આજે સુપ્રીમકોર્ટના જસ્ટિસ તરીકે વિધિવત્‌ શપથ ગ્રહણ કર્યા હતા. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ દ્વારા ચારેય નવનિયુકત જજીસને સુપ્રીમકોર્ટની ચીફ કોર્ટમાં જ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવાયા હતા. સુપ્રીમકોર્ટમાં આ નવા ચાર જસ્ટિસની વિધિવત્‌ નિયુકિત સાથે જ સુપ્રીમકોર્ટમાં જજીસની સંખ્યા ૨૮ની થઇ છે. હવે સુપ્રીમકોર્ટમાં જજીસની કુલ મંજૂર જગ્યા ૩૧ કરતાં ત્રણ જજીસની ઘટ છે. સુપ્રીમકોર્ટના જજ તરીકે આપણા ગુજરાતી અને મૂળ અમદાવાદના એવા જસ્ટિસ શ્રી મુકેશકુમાર રસિકભાઇ શાહે આજે શપથ ગ્રહણ કરતાંની સાથે જ ગુજરાતના ન્યાયતંત્ર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. કારણ કે, ગુજરાતના ન્યાયતંત્ર માટે આ બહુ મોટી અને ગૌરવપૂર્ણ ઘટના હતી. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલાં શહેરમાં બિસ્માર રસ્તાઓ, આડેધડ પાર્કિંગ અને રખડતા ઢોરોની સમસ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રી એમ.આર.શાહે અમ્યુકો, પોલીસ તંત્ર સહિતના સત્તાધીશોને કરેલા અસરકારક નિર્દેશોનું જ પરિણામ છે કે, હાલ અમદાવાદ અને રાજયના મોટા શહેરોમાં ટ્રાફિક નિયમન, આડેધડ પાર્કિંગ, ગેરકાયદે બાંધકામો-દબાણો દૂર કરવા અંગે અસરકારક ડ્રાઇવ ચાલી રહી છે. જસ્ટિસ એમ.આર.શાહના બાહોશીભર્યા અંદાજ અને જ્ઞાનસભર તેમ જ અભ્યાસુ ચુકાદાઓને લઇને માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશના ન્યાયતંત્રમાં તેમણે એક અનોખુ ઉદાહરણ અને પ્રેરણા પૂરા પાડયા હતા. ગુજરાતના ન્યાયતંત્રમાં જસ્ટિસ શ્રી એમ.આર.શાહે સોનેરી ઇતિહાસ રચી તેમની છબી યાદગાર બનાવી દીધી છે. ગુજરાતભરના લોકોમાં આટલી બધી લોકપ્રિયતા અને અદ્‌ભુત લોકચાહના મેળવનાર તેઓ એકમાત્ર જજ છે.

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હોય કે બિસ્માર રસ્તાઓની વાત, સાદીક જમાલ એન્કાઉન્ટર કેસ હોય કે, પછી પ્રજાજનોના આરોગ્ય અને પ્રાથમિક બુનિયાદી સુવિધાઓની વાત હોય. અનેકવિધ બાબતોને લઇ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહે અનેક સીમાચિહ્નરૂપ અને દૂરોગામી અસરો પાડનારા અતિ મહત્વના ચુકાદાઓ આપી સમગ્ર ન્યાયતંત્રમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું અને ગુજરાત ન્યાયતંત્રમાં એક સોનેરી ઇતિહાસ રચ્યો હતો. તેમની અસાધારણ કામગીરીથી પ્રભાવિત થઇને જ વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહની સુપ્રીમકોર્ટ જજ તરીકે સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા પસંદગીની મ્હોર મરાઇ હતી. આજે શ્રી એમ.આર.શાહ ઉપરાતં શ્રી આર.સુભાષ રેડ્ડી, શ્રી હેમંત ગુપ્તા અને શ્રી અજય રસ્તોગીએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. આજના શપથવિધિ સમારોહમાં નવનિયુકત આ ચારેય સુપ્રીમકોર્ટ જજીસના પરિવારજનો,મિત્રવર્તુળ ઉપરાંત, કાયદાજગત અને ન્યાયતંત્રના પદાધિકારીઓ અને સરકારના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleપંચાયત તલાટીઓની પગાર વિસંગતતા દૂર કરવાનો નિર્ણય
Next articleરાજુલા પરશુરામ ગૃપના પ્રમુખ તરીકે કનકભાઈની થયેલી વરણી