કેન્દ્ર સરકારના કર્મચારી પોતાનો પગાર વધવાની રાહ જોઈ રહ્યા છે. તેઓને આશા છે કે આ વર્ષે સાતમા પગાર પંચની ભલામણોથી તેમનો પગાર વધારવામાં આવી શકે છે. બીજી તરફ દિલ્હી સરકારે તહેવારોની આ સિઝનમાં પોતાના કેટલાક કર્મચારીઓને ઉત્તમ ગિફ્ટ આપવાનું એલાન કર્યુ છે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર તરફથી જણાવાયું છે કે તેમણે સાતમા પગાર પંચની ભલામણો અનુસાર પોતાના કર્મચારીઓનો પગાર રિવાઈઝ્ડ કર્યો છે.
દિલ્હી સરકાર તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે મંત્રીમડળે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સાતમા પગાર પંચ સાથેના સંકળાયેલા એક પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે ટીચર્સ અને તેમના સમકક્ષ કેડર્સ અને યુનિવર્સિટીઝ તથા કોલેજોમાં એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ પર રહેલા કર્મચારીઓનો પગાર વધી જશે. સાતમા પગારપંચની ભલામણો ૧ જાન્યુઆરી ૨૦૧૬થી લાગુ થશે. જેનો અર્થ એ છે કે તેમને માત્ર પગાર વધારો જ નહીં પણ ૩૪ મહિનાનું એરિયર્સ પણ આપવામાં આવશે. રાજ્ય સરકારનો આ નિર્ણય એક મહિના પહેલા ગેસ્ટ ટીચર્સનો પગાર વધારા પછી આવ્યો છે. દિલ્હી કેબિનેટે આ વર્ષે સપ્ટેમ્બરમાં ગેસ્ટ ટીચર્સના રિવાઈઝ્ડ પેને મંજૂરી આપી હતી. કેબિનેટે કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (સીટીઈટી) યોગ્યતા સાથે તાલીમબદ્ધ સ્નાતક શિક્ષકોની જેમ ગેસ્ટ ટીચર્સના પગાર રાખવાના ઉદ્દેશથી આ નિર્ણય કર્યો હતો. ગેસ્ટ ટીચર્સને હવે રોજ રૂપિયા મળે છે જે અગાઉ રૂ. ૧૦૫૦ મળતા હતા.
દિલ્હી સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ સાતમા પગારપંચની ભલામણો અનુસાર પગાર વધારાની માગ કરી રહ્યા છે. તેમની માગ છે કે તેમના લઘુતમ પગારને રૂ. ૧૮૦૦૦ પ્રતિ માસથી વધારીને રૂ. ૨૬૦૦૦ પ્રતિ માસ કરી દેવામાં આવે. આ ઉપરાંત ફિટમેન્ટ ફેક્ટરને પણ ૨.૫૭ થી વધારીને ૩.૬૮ ગણું કરવામાં આવે. કેન્દ્ર સરકારે હાલમાં જ પોતાના તમામ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો. વાસ્તવમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ૨ ટકા વધાર્યુ હતુ. હવે કેન્દ્રીય કર્મચારીઓનું કુલ ડીએ (મોંઘવારી ભથ્થું) ૯ ટકા થઈ ગયું છે.