અહીં એક સમારંભમાં ભાગ લેવા આવેલા ઑસ્ટ્રેલિયાના ૬૮ વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્રિકેટજગતના સૌથી ફાસ્ટ બોલર તરીકે ઓળખાતા જેફ થૉમસને ગઈ કાલે કહ્યું હતું કે ‘થોડા દિવસમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવનારી ભારતીય ટીમ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર વિનાની ઑસ્ટ્રેલિયન ટીમને ધમરોળી નાખવા માટે ફેવરિટ છે. સ્મિથ અને વૉર્નર પર બૉલ-ટૅમ્પરિંગની કરતૂત બદલ ૧૨ મહિનાનો પ્રતિબંધ ચાલી રહ્યો છે. થૉમસનના મતે ‘આ બન્ને બૅટ્સમેનોની ગેરહાજરીમાં ઑસ્ટ્રેલિયાની બૅટિંગ લાઇન-અપ સાવ સામાન્ય લાગી રહી છે, જ્યારે ભારત પાસે મજબૂત ટીમ છે.’ ‘બીજું, ભારત પાસે ફાસ્ટ બોલિંગનું આક્રમણ પણ બહુ સારું છે. તાજેતરમાં પાકિસ્તાન સામે રમનાર ઑસ્ટ્રેલિયન બૅટ્સમેનોમાં સારા ફૂટવર્કનો અભાવ જણાયો હતો. વધુપડતી ટી-ટ્વેન્ટી અને વન-ડે મૅચો રમવાના પ્રભાવને કારણે તેમનામાં બૅટિંગ-ટેક્નિક જેવું પણ કંઈ દેખાતું નથી.’