દિવાળીના પર્વની શરૂઆત સાથે સ્કુલોમાં વેકેશન શરૂ

552

અમદાવાદ સહિત રાજ્યભરમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સત્તાવાર રીતે ૧૪ દિવસના દિવાળી વેકેશનની શરૂઆત થઈ છે. આજે શનિવારે સ્કૂલનો છેલ્લો દિવસ હોઈ હવે આજથી જ દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ જશે. દિવાળી વેકેશનને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે રાજયના પ્રજાજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આમ તો દિવાળી વેકેશન ર૧ દિવસનું હોય છે પરંતુ આ વખતે નવરાત્રિ વેકેશન અપાયું હોઇ સરકારે દિવાળી વેકેશન ટૂંકાવીને તા.પ થી ૧૮ નવેમ્બર સુધી ૧૪ દિવસનું વેકેશન પાળવાની જાહેરાત કરી છે. તેથી તા.પ થી ૧૮ નવેમ્બર સુધી જિલ્લાની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન પાળવામાં આવશે. આજે એકાદશી હોઈ દિવાળીના તહેવારોની વિધિવત્‌ શરૂઆત થઇ ચૂકી છે. તો બીજીબાજુ, હીરા ઉદ્યોગમાં એમ્બ્રોઇડરી, વીવિંગ એકમો સહિત અનેક કારખાનાંઓમાં આજથી દિવાળી વેકેશનનો માહોલ સર્જાયો છે. આજે સાંજે મોટા ભાગના હીરાનાં કારખાનાંઓ બંધ થઇ ગયા હતા. કારીગરો અને કામદારોએ મોડી સાંજ બાદ રાત્રે જ વતનની વાટ પકડી હતી.

આજે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં પ્રથમ શિક્ષણ સ્તરનો અંતિમ દિવસ રહ્યો હતો. આ વર્ષે તમામ સરકારી અને મોટા ભાગની ખાનગી શાળાઓમાં ઉઘડતા વેકેશને પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે દિવાળી વેકેશન પહેલાં જ નવરાત્રીનું મિની વેકેશન આવી ગયું છે. તેથી દિવાળી વેકેશન ટૂંકાવાયું છે. નવરાત્રીના વેકેશનના કારણે પરીક્ષાઓ મોડી થઈ હતી. તેથી સત્રાંત પરીક્ષાનું પરિણામ વેકેશન પૂરું થયા બાદ જાહેર કરશે. આ વર્ષે પ્રાથમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનનો નિયમ પહેલી વાર અમલી બનાવાયો છે. ઉપરાંત રપ ટકા વિદ્યાર્થીઓનું બાહ્ય મૂલ્યાંકન કરીને તેના માર્ક્સ પણ સર્વ શિક્ષા અભિયાનની વેબસાઈટ ઉપર ઓનલાઈન મૂકવા પડશે. ૧૯ નવેમ્બરે બીજા શૈક્ષણિક સત્રનો વિધિવત્‌ પ્રારંભ થશે. આજે શનિવાર હોઈ આવતીકાલે રવિવારની રજા છે એટલે વેકેશનમાં એક દિવસ વધુ મળશે. તેથી આજથી જ લોકો વતનની વાટ પકડી રહ્યા છે. દિવાળીના પર્વ અને વેકેશનના માહોલને લઇ પ્રજાજનોમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે.

Previous articleરેશમા પટેલની નીતિન પટેલ સાથે મહત્વપૂર્ણ મિટીંગ થઈ
Next articleગિરિમથક સાપુતારા ખાતે દીવાળી ફેસ્ટિવલનો પ્રારંભ