ગુજરાત કી આંખો કા તારા, એટલે સાપુતારા. સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા અત્યંત રમણીય ગિરિમથક ખાતે દીવાળી ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે. ૩થી ૨૫ નવેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં સહેલાણીઓને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, અનેકવિધ ગેમ્સ, એક્ટિવિટીમાં ભાગ લેવાનો લ્હાવો મળી રહેશે.
દક્ષિણ ગુજરાતનું ગિરિમથક કહેવાતા સાપુતારા સામાન્ય દિવસોમાં તો સહેલાણીઓમાં હોટફેવરિટ હોય છે પરંતુ ફેસ્ટિવલ સિઝનમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
ગુજરાતના પ્રવાસન વિભાગને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ચોક્કસ તહેવારોમાં સાપુતારામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વખતે દિવાળીના તહેવારો માટે સાપુતારા સહેલાણીઓ માટે સજીધજી રહ્યું છું.
૪ નવેમ્બરના રોજ જૂદા જૂદા કલાકારો દ્વારા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, ૫ નવેમ્બરના રોજ હિન્દી ફિલ્મી ગીતનો કાર્યક્રમ ઓરકેસ્ટ્રા, ૬ નવેમ્બરના રોજ મેજીક શો, ૭નવેમ્બરને દિવાળીના દિવસે સ્પેશિયલ દિવાળી ગીતો, ૮ નવેમ્બરના રોજ નવા વર્ષની ધમાલ ડીજેના સંગ, ૯ નવેમ્બરના રોજ એક સાંજ ગુજરાતી ગીતો સાથે, ૧૦ નવેમ્બરના રોજ જૂના નવા ફિલ્મી ગીતો, ૧૧ નવેમ્બરના રોજ ઓરકેસ્ટ્રાના સથવારે અંતાક્ષરી, ૧૨ નવેમ્બરના રોજ ઓરકેસ્ટ્રા, ૧૩ નવેમ્બરના રોજ ગઝલ, ૧૪ નવેમ્બરના રોજ હાસ્ય દરબાર, ૧૫ નવેમ્બરના રોજ સ્થાનિક આદિવાસીઓ દ્વારા નૃત્યોની રમઝટ, ૧૬ નવેમ્બરના રોજ મેજીક શો, ૧૭ નવેમ્બરના રોજ લોક ડાયરો, ૧૮ નવેમ્બરના રોજ જૂના નવા ફિલ્મી ગીતો, ૧૯ નવેમ્બરના રોજ અંતાક્ષરી, ૨૦ નવેમ્બરના રોજ શામ એ ગઝલ, ૨૧ નવેમ્બરના રોજ સ્થાનિક નૃત્યો, ૨૨ નવેમ્બરના રોજ હાસ્ય દરબાર, કાર્યક્રમના છેલ્લા દિવસે સમાપન સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.