કોઇ પણ ગુનાનો ભેદ આસાનીથી ઉકેલાઇ જાય તે માટે સીસીટીવી કેમેરા પોલીસ માટે મહત્ત્વની કડી છે. જ્યારે કોઇ ઘટના બનતી હોય છે ત્યારે પોલીસ પહેલાં ઘટનાસ્થળ પર આવેલી દુકાન, રેસ્ટોરાં કે પછી અન્ય કોઇ પણ જગ્યાએ લગાવેલા સીસીટીવી ફૂટેજ મેળવવાની કોશિશ કરે છે, પરંતુ મોટા ભાગે સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયાની જેમ પુરવાર થાય છે, જેના લીધે પોલીસને જોઇએ તેવી સફળતા મળતી નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળે તે માટે પોલીસ હવે સીસીટીવી કેમેરા લગાવીને બંધ રાખનાર અથવા તો રેર્કોર્ડિંગ નહીં કરનાર લોકો વિરુદ્ધમાં હવેથી પોલીસ ગુના દાખલ કરશે. જ્યારે જેણે સીસીટીવી કેમેરા લગાવેલા નથી તેના વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થશે. પૂર્વ વિસ્તારની પોલીસ દ્વારા દુકાનો, હોટલ, રેસ્ટોરાં તેમજ અન્ય જગ્યાએ લગાવેલા પાંચ હજાર કરતા વધુ સીસીટીવી કેમેરા ચેક કરાશે. તાજેતરમાં પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર ૪૪ર લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. શહેર પોલીસ તેમજ અમદાવાદ કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે જાહેર જગ્યા અને સરકારી કચેરીઓમાં હાઇડેફીનેશનના કેમેરા લગાવ્યા છે. આજે સીસીટીવી કેમેરા પોલીસ સિવાય તમામ લોકોની મદદમાં આવે છે. કોઇપણ ઘટનામાં સીસીટીવી ફૂટેજને આરોપીઓને સજા અપાવવા માટે મહત્ત્વનો પુરાવો પણ ગણવામાં આવે છે.
અકસ્માત સહિત વિવિધ ગુનાઓના કિસ્સામાં આવા સીસીટીવી ફૂટેજ પોલીસ માટે આશીર્વારૂપ સાબિત થયા છે. સીસીટીવી ફૂટેજના આધારે સંખ્યાબંધ ગુનાના ભેદ ઉકેલાયા છે. સામાન્ય રીતે આજે દુકાનો, હોટલ સહિતની તમામ જગ્યાએ લોકોએ પોતાના ખર્ચે હાઇડેફીનેશન અને નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવી દીધા છે ત્યારે પોલીસ કમિશનરનું જાહેરનામું પણ છે કે જાહેર જગ્યા કે મોલ મલ્ટિપ્લેક્ષ સહિતની જગ્યાએ ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા. લોકો પોતાની સુરક્ષા માટે સીસીટીવી અને કીમતી સરસામાનની સુરક્ષા માટે સીસીટીવી લગાવી તો દીધા, પરંતુ તેની યોગ્ય દરકાર રાખી શકતા નથી. થોડાક સમય પછી સીસીટીવી ચાલુ છે કે બંધ છે તે પણ લોકો ભૂલી જાય છે. સીસીટીવી યોગ્ય રીતે મેન્ટેન નહીં થતાં તે એક શોભાના ગાઠિયા સમાન પુરવાર થાય છે. સેક્ટર રના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવના નેજા હેઠળ પૂર્વ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરાં તેમજ દવાની દુકાનો સહિત અન્ય દુકાનો અને મકાનોમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ તેની ચકાસણી કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ મામલે ઝોન-૪ના ડીસીપી નીરજ બડગુર્જરે જણાવ્યું છે કે તમામ જગ્યાએ લગવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવશે, જો કેમેરા બંધ હશે કે તેનું રેર્કોડિંગ નહીં થતું હોય તો જે તે વ્યકિતને પહેલા નોટિસ આપવામાં આવશે તેમ છતાંય તે સીસીટીવી ચાલુ નહીં કરાવે તો તેમના વિરુદ્ધમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. સેક્ટર રના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવે જણાવ્યું છે કે પૂર્વ વિસ્તારમાં લગાવેલા પાંચ હજાર કરતાં વધુ સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવશે. જો કોઇએ સીસીટીવી કેમેરા લગાવ્યા નહીં હોય તો ગુનો દાખલ થશે. તાજેતરમાં આ પ્રકારના કિસ્સામાં ૪૪ર કેસ કરાયા છે.