વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણી આડે થોડા દિવસ રહ્યા છે ત્યારે અયોધ્યા વિવાદ ફરી એકવાર ગંભીર બની ગયો છે. આ વિવાદ વધુને વધુ ગંભીર બની રહ્યો છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભાજપના નેતાઓની નિવેદનબાજી વચ્ચે હવે બાબા રામદેવે પણ નિવેદન કર્યું છે. બાબા રામદેવે કહ્યું છે કે સંતો અને રામભક્તોએ સંકલ્પ કર્યો છે કે રામ મંદિરમાં હવે વધારે વિલંબ થશે નહીં. તેમણે કહ્યું છે કે આજ વર્ષે શુભ સમાચાર દેશને સાંભળવા મળશે. બીજી બાજુ રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રામવિલાસ વેદાંતીએ જાહેરાત કરી છે કે અયોધ્યામાં ડિસેમ્બર મહિનામાં રામ મંદિરનું નિર્માણ કામ શરૂ કરી દેવામાં આવશે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે ટહુકમ મારફતે નહીં બલ્કે પારસ્પરિક સહમતિ સાથે આ બાબત આગળ વધશે.
બીજી બાજુ કેટલાક નેતાઓએ જુદી પ્રતિક્રિયાઓ આપી છે. રામ મંદિરના મામલા પર પોતાની પ્રતિક્રિયા આપતા રામદેવે કહ્યું છે કે જો કોર્ટમાં નિર્ણય લેવામાં વિલંબ થશે તો સંસદમાં ચોક્કસપણે રામ મંદિરના સંદર્ભમાં બિલ લાવવામાં આવશે અને બિલ લાવવું જોઈએ. રામ જન્મભૂમિ પર રામ મંદિર નહીં બને તો કોનું મંદિર બનશે તેવો પ્રશ્ન રામદેવે કર્યો છે. બીજી બાજુ રામ મંદિરમાં હવે વધુ વિલંબને ચલાવી નહીં લેવાની સંતોએ વાત કરી છે. રામદેવનું કહેવું છે કે આ વર્ષે લોકોને સારા સમાચાર સાંભળવા મળશે. સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી ટળી ગયા બાદથી રાજનીતિ વધારે તીવ્ર બની ગઈ છે. સંઘ પ્રમુખે છેલ્લા થોડાક દિવસમાં મોદી સરકારને રામ મંદિર પર વટહુકમ લાવવા માટે સૂચન કરી દીધું છે. બીજી બાજુ સંઘે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ બાબત સરકાર ઉપર છે, તે કેવા પ્રકારનું નિર્ણય કરે છે તે સરકાર ઉપર છે. પરંતુ જરૂર પડશે તો ૧૯૯૨ની જેમ આંદોલન કરવામાં આવશે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન કરીને કહ્યું છે કે અયોધ્યા મામલા પર દિવાળી સુધી ખુશખબરી આપશે. એમ માનવામાં આવે છે કે સરયુ નદી પર રામની ભવ્ય મૂર્તિ પણ બનાવી શકાય છે. ૧૫૧ મીટરની ભવ્ય પ્રતિમા બનાવવાની વાત કરાઈ છે. રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ વેદાંતીએ કહ્યું છે કે પારસ્પરિક સહમતિ સાથે અયોધ્યામાં ડિસેમ્બરથી મંદિર નિર્માણ શરૂ કરવામાં આવશે. મસ્જિદ લખનૌમાં બનાવવામાં આવશે. ભાજપના પૂર્વ સાંસદ વેદાંતી રામ મંદિરને લઈને વારંવાર નિવેદનો કરતા રહ્યા છે. વેદાંતી આ પહેલા પણ ન્િોદન કરી ચુક્યા છે. તેમનું કહેવું છે કે કોર્ટનો આદેશ નહીં આવે તો પણ અયોધ્યામાં મંદિર નિર્માણ કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે મામલાને જાન્યુઆરી સુધી ટાળી દેતાની સાથ ેજ આને લઈને નિવેદનબાજી તીવ્ર બની ગઈ છે. ગઈકાલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પત્રકાર પરિષદ યોજીને પોતાના અભિપ્રાય રજુ કર્યા હતા અને કહ્યું હતું કે કરોડો હિન્દુઓની ભાવનાને સુપ્રિમ કોર્ટે ધ્યાનમાં લીધી નથી.