લીલા શાકભાજીની ઋતુ ગણાતાં શિયાળામાં શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોને હવે ઠંડીમાં પણ પરસેવો પડે એવા ઘાટ ઘડાયા છે. બજારમાં તળીયે બેસી ગયેલા શાકભાજીના ભાવના કારણે ખેડૂતોને મજૂરીનો ખર્ચ પણ મેળવવાના ફાંફા પડી ગયા છે.
શિયાળાની ઋતુ શરૂ થતાંની સાથે શાકભાજી માર્કેટમાં લીલા શાકભાજીની પુષ્કળ આવક થતી હોય છે. શાકભાજી બજારમાં તેજી સાથે ખેડૂતોને માથે મંદીનું મોજું ફેરવી રહી છે. કેમ કે ચાલુ સીઝનમાં શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. જેથી શાકભાજીનો ભાવ મહિના પહેલા રૂપિયા ૭૦૦ થી ૮૦૦ પ્રતિ મણ હતો એ જ શાકભાજીનો ભાવ અત્યારે ઘટીને રૂપિયા ૧૦૦થી ૨૦૦ રૂપિયા પ્રતિ મણ થયો છે.
તો વાત કરીએ ટામેટાની તો ટામેટાની લાલાશ હજુ અકબંધ છે. આજે પણ બજારમાં તેનો ભાવ ૭૦૦ થી ૮૦૦ પ્રતિમણ છે. જેથી આ વખતે ટામેટાના ખેડૂતો ફાયદામાં રહે એમ છે.
સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં શાકભાજીને વેચાણની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતોના દિવસો વળે એમ છે. બાકી શાકભાજીનો સંગ્રહ કરવાનું પણ હાલમાં શક્ય નથી ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં કઈ વિચારે એ જરૂરી બન્યું છે.