પોતાના વિવાદીત નિવેદનોથી અવાર-નવાર વિવાદમાં રહેતા કોંગ્રેસના નેતા શશી થરુરે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. એક ઔદ્યોગિક સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં થરુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલા હીરો ગણાવ્યા હતા. થરુરે વિવાદીત ટીપ્પણી કરતા કહ્યુ હતુ કે એક સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલો હીરો જે કહે છે કે હું તમામ જવાબ જાણું છું. મોદી એક વ્યક્તિની સરકાર છે અને દરેક વ્યક્તિ તેમના ઈશારે નાચી રહ્યા છે. ભારતમાં હાલ ઈતિહાસનું સૌથી કેન્દ્રીયકૃત વડાપ્રધાન કાર્યાલય છે. જ્યાં દરેક નિર્ણય પીએમઓ કરે છે અને દરેક ફાઈલ મંજૂરી માટે પીએમઓ મોકલવામાં આવે છે.
લોકસભાની ચૂંટણી સંદર્ભે વાત કરતા થરુરે કહ્યુ છે કે વડાપ્રધાનપદનો નિર્ણય સામુહિકપણે થશે. તેમણે રાહુલ ગાંધીના વડાપ્રધાન બનવા મામલે વાત કરતા કહ્યું હતું કે બની શકે કે તેઓ હોય નહીં. ભાજપના મુકાબલે કોંગ્રેસમાં ઘણાં વરિષ્ઠ નેતા છે. તેમની પાસે પ્રણવ મુખર્જી જેવા લોકો હોત. પી. ચિદમ્બરમ અને અન્ય છે. જેમના ટ્રેક રેકોર્ડ શાનદાર રહ્યા છે. કોંગ્રેસના સાંસદ શશી થરુરે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને અયોદ્યામાં રામમંદિરના મામલાઓને ધ્યાન ભટકાવનારા ગણાવીને કહ્યુ છે કે આવા મુદ્દાઓ પર ધ્યાન આપવાના સ્થાને વાસ્તવિક મુદ્દાઓની વાત કરવી જોઈએ.