અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે વાઈટ હાઉસની બહાર પત્રકારોને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, પોતે ચીન સાથેના વ્યાપાર અંગે હકારાત્મક રીતે વિચારી રહ્યા છે.
તેમણે ચીનના પ્રમુખ શી જિન્પિંગ સાથે ફોન પર વાર્તાલાપ કર્યો હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, ચીન અને અમેરિકા સાથે વ્યાપાર વધારવા આતુર છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ટ્રેડ વૉરનાં ઉકેલ અંગે ઘણા જ સકારાત્મક અભિગમ સાથે અમેરિકા અને ચીન આગળ વધી રહ્યા છે. જોકે, સાથે સાથે ટ્રમ્પે ચીની બનાવટની વસ્તુઓ પર વધુ ડ્યૂટી લાદવાની શક્યતા અંગેની શક્યતા પણ વ્યક્ત કરી હતી.
ટ્રમ્પના નિવેદનના પહેલા તેના આર્થિક સલાહકારે ટ્રમ્પને અમેરિકા-ચીન વ્યાપાર અંગે સાવધાનીપૂર્વકના નિવેદન કરવા સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે આર્જેન્ટિના ખાતે યોજાયેલી જી-૨૦ સમીટ ખાતે જિન્પિંગ તથા ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. બન્ને નેતાઓએ ભોજન સાથે લીધું હતું. તે સમયે વ્યાપાર અંગે પણ તેમણે ચર્ચા કરી હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા બીજિંગ પાસેથી પ્રોપર્ટી પ્રોટેક્શન, ટૅક્નોલૉજી ટ્રાન્સફર, ઈન્ડસ્ટ્રીયલ સબસાઈડસ ઍન્ડ ડોમેસ્ટિક માર્કેટ એક્સેસ જેવી પૉલિસીમાં બદલાવની અપેક્ષા રાખી રહ્યું છે જે ચીન માટે પણ સારું છે. ટ્રમ્પે ચીન સાથે ‘ઓપન ઍન્ડ ફેર’ ડીલની તૈયારી દર્શાવી હતી.
ટ્રમ્પે તેના વહીવટી તંત્રને ચીન સાથેના કરાર સંદર્ભે યોજના તૈયાર કરવા જણાવ્યું હોવાના સમાચારે અમેરિકી સ્ટોક માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી, પરંતુ દિવસના મધ્યભાગમાં એપલ ઈન્કના અર્નિંગ ફોરકાસ્ટ તથા વ્હાઈટ હાઉસ એડ્વાઈઝર લેરી કુડલોવના નિવેદનને કારણે માર્કેટમાં નકારાત્મક અસરો જોવા મળી.