બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે છુટાછેડાની અરજી માટે પોતાની પત્ની ઐશ્વર્યા રાય પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેજપ્રતાપે પોતાની અરજીમાં લખ્યું છે કે ઐશ્વર્યા તેની ઉપર પોતાના પિતા ચંદ્રિકા રાયને છપરા લોકસભાની ટિકિટ અપાવવા માટે દબાણ બનાવી રહી હતી. ઐશ્વર્યા બોલતી હતી કે જો છપરાથી મારા પિતાને ટિકિટ ન મળે તો લગ્નનો શું ફાયદો. આ માટે તે સતત દબાણ કરી રહી હતી.
તેજપ્રતાપે પોતાની અરજીમાં લખ્યું છે કે ઐશ્વર્યા મને અને મારા નાના ભાઈ તેજસ્વીને લડાવવા માંગતી હતી અને તે બંને વચ્ચે દિવાલ બનવાનો પ્રયત્ન કરી રહી હતી. તે કહેતી હતી કે તેજસ્વી તારી ઇર્ષા કરે છે. તે અમને બધાને અભણ માનતી હતી.
તેજપ્રતાપે શુક્રવારે પોતાના લગ્નના પાંચ મહિના પછી પત્ની ઐશ્વર્યાથી છુટાછેડા લેવા માટે પટના સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલાની આગામી સુનાવણી ૨૯ નવેમ્બરે થશે. ઐશ્વર્યા સાથે છુટાછેડાના નિર્ણય પછી લાલુ પરિવાર અને પૂર્વ સીએમ દારોગા પ્રસાદ રાયના પરિવારમાં ઉથલ-પુથલ જોવા મળી રહી છે.
તેજપ્રતાપના લગ્ન ઐશ્વર્યા સાથે ૧૨ મે ૨૦૧૮ના રોજ થયા હતા. આ લગ્નમાં લગભગ ૫૦ હજાર લોકો સામેલ થયા હતા.