વંથલીમાં વાહનની ટક્કરથી વધુ એક દિપડાનું મોત

714

ગત. ૨૪ ઓક્ટોબરના રોજ વહેલી સવારે વંથલીના સોમનાથ નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનચાલકે દીપડાને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે રવિવારે વંથલી નજીક દિલાવરનગર પાસે પેટ્રોલપંપ નજીક હાઇવે પર વહેલી સવારે અજાણ્યા વાહનની ટક્કરથી વધુ એક દીપડાનું મોત નીપજ્યું હતું. માત્ર ૧૨ દિવસમાં વાહનની ટક્કરથી એક પછી એક એમ બે દીપડાના મોતને લઇને સ્થાનિક લોકો અને જીવદયાપ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી ફેલાવા પામી છે. ખાસ કરીને વન્ય જીવોની સુરક્ષા સામે સવાલો ઉઠાવી તેઓએ હવે સરકારના સત્તાવાળાઓને આ વન્ય પ્રાણીઓની સુરક્ષા માટેના અસરકારક ઉપાયો કરવા ઉગ્ર માંગણી કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ૨૪ કલાક વાહનોથી ધમધમતા જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે ૫ર વંથલીના દિલાવરનગર પાસે વહેલી સવારે અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન બેફામ અને ગંભીર બેદરકારીપૂર્વક હંકારી રસ્તા પરથી પસાર થઇ રહેલા દીપડાને મારી હતી.  જેના કારણે દીપડો હવામાં ફંગોળાઇ ગંભીર ઇજાઓ સાથે જોરદાર રીતે જમીન પર પટકાયો હતો.  અજાણ્યા વાહનની જોરદાર ટક્કરથી ગંભીર ઇજાઓ થવાના કારણે દીપડાનું કરૂણ મોત નીપજયું હતુ. બનાવ અંગે જાણ થતાં સ્થાનિક લોકોએ વનવિભાગના અધિકારીઓને જાણ કરી હતી. જેને પગલે એસીએફ ઉસ્માબેન નાણાવટી, આરએફઓ ઇન્ચાર્જ દિક્ષીતભાઇ, ફોરેસ્ટર નમ્રતા ખાન૫રા તેમજ ફોરેસ્ટ ગાર્ડ હેતલ જોશી સહિતના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં આ દીપડો ત્રણ વર્ષની ઉંમરનો અને નર હોવાનું માલૂમ પડયું હતું. બાદમાં વનવિભાગના અધિકારીઓએ સક્કરબાગ જૂનાગઢ ખાતે દીપડાના મૃતદેહને પીએમ માટે ખસેડતા રીપોર્ટમાં પેટના ભાગે ભંગીર ઇજા થવાથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું હતું. જો કે, આ બનાવને પગલે સ્થાનિક લોકો સહિત વન્યજીવ પ્રેમીઓમાં દુઃખની લાગણી ફેલાઇ હતી. હજુ ૧૨ દિવસ ૫હેલા આ જ હાઇવે નજીક એક દિપડાનું આ જ પ્રકારે અજાણ્યા વાહનની ટક્કરના કારણે અકસ્માતમાં મોત થયું હતું. અગાઉ પણ આ વંથલીમાં વન્યપ્રાણીઓ રોડ અકસ્માતમાં મોતને ભેટ્યા હોય તેવા અનેક બનાવો બન્યા છે. પરંતુ તેમછતાં સ્થાનિક પોલીસ અને વનવિભાગના અધિકારીઓ આવા કસૂરવાર વાહનચાલકોને શોધી શકયા નથી કે તેઓની વિરૂદ્ધ કોઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકયા નથી. ત્યારે વધુ એક દીપડાના મોતથી જીવદયાપ્રેમીઓમાં પણ રોષની લાગણી ફેલાવા પામી છે. જીવદયા પ્રેમી જનતા દ્વારા હવે સરકારના સત્તાવાળાઓ સમક્ષ અહીના સ્થાનિક વન્ય જીવોને સુરક્ષા અને સલામતીભર્યુ જીવન પૂરું પાડવા ઉગ્ર માંગણી ઉઠાવી છે.

Previous articleતેજસ્વી સાથે મને લડાવવા માંગતી હતી ઐશ્વર્યા, અમારા પરિવારને કહેતી ’અભણ’ઃ તેજપ્રતાપ
Next articleદિવાળી પહેલા બજારમાં ખરીદીનો માહોલ જામ્યો