દિવાળી આડે હવે ખુબ ઓછો સમય રહ્યો છે ત્યારે બજારમાં જોરદાર રોનક જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરના તમામ મુખ્ય બજારોમાં ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. બજારમાં મંદીના માહોલની ચર્ચા વચ્ચે ખરીદીનો જોરદાર દોર શરૂ થઇ ચુક્યો છે. મંદીની માત્ર ચર્ચા છે. જંગી ખરીદી લોકો કરી રહ્યા છે.
છેલ્લા બે ત્રણ દિવસથી ખરીદીના જે ફોટાઓ આવી રહ્યા છે તેનાથી સાબિત થાય છે કે, ફટાકડા બજાર, જુદી જુદી ચીજોના અન્ય બજારો, મિઠાઇ બજાર, વસ્ત્રબજાર, સોના-ચાંદીની મોટી દુકાનોમાં પણ ખરીદીનો માહોલ જામી ગયો છે. અમદાવાદ શહેરના તમામ મુખ્ય બજારો હાઉસફુલની સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં ખરીદીના મુખ્ય બજાર તરીકે લાલ દરવાજાના ભદ્ર વિસ્તારને ગણવામાં આવે છે. ભદ્ર વિસ્તારમાં તમામ નાનીથી લઇને મોટી ચીજો ઉપલબ્ધ બને છે. સાથે સાથે સ્થાનિક લોકોના કહેવા મુજબ આ વિસ્તારમાં ચીજો સસ્તા પ્રમાણમાં પણ ઉપલબ્ધ બને છે. ખાસ કરીને મહિલાઓ અહીં જોરદાર ખરીદીના મૂડમાં દેખાઈ રહી છે. દિવાળીની ખરીદી કરનાર લોકોની ભીડ ખુબ સારા સંકેત આપી રહી છે. તેજીનો માહોલ દિવાળી સુધી અકબંધ રહે તેવી શક્યતા છે. દિવાળી પહેલા છેલ્લો રવિવાર હોવાના કારણે પણ આજે બજારોમાં ભરચક ભીડ રહી હતી. બીજી બાજુ તહેવાર પહેલા ભરચક ભીડ વચ્ચે કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતી વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે.
આ વખતે સુપ્રીમ કોર્ટના આદેશને કઠોર રીતે પાળવા માટે તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ છે. શહેરમાં આ દિવાળી પર્વ પર રોશની અને ફટાકડા ફોડવાને લઇને તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે.
સાથે સાથે ફટાકડા ફોડવાની એક ચોક્કસ સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે રાત્રે ૧૦ વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ રહેશે. ઓનલાઈન અને લાયસન્સ વિના ફટાકડા વેચવા પર પ્રતિબંધ રાખ્યો હોવા છતાં શહેરના મુખ્ય બજારોમાં ફટાકડાઓની લારીઓ ગોઠવાઈ ચુકી છે અને લોકો સ્વતંત્રરીતે ખરીદી પણ કરી રહ્યા છે. અધિકારીઓના કહેવા મુજબ છે. આ વખતે ઓનલાઈન ફટાકડા વેચવા ઉપર પણ પ્રતિબંધ છે. જો કોઇ ઓનલાઈન ફટાકડાનું વેચાણ કરતા દેખાશે તો તેના પર કાર્યવાહી કરાશે. બીજી બાજુ ફટાકડા વેચવા માટે લાયસન્સ છે કે કેમ તેને લઇને પણ પોલીસ સાવધાન છે. ચીની ફટાકડા ઉપર પહેલાથી જ પ્રતિબંધ મુકાયો છે. દિવાળી પર્વને શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે શહેર પોલીસ તરફથી ૧૨૦થી વધુ ટીમો બનાવવામાં આવી છે જે બાઈક ઉપર શહેરમાં રાત્રિ ગાળા દરમિયાન પેટ્રોલિંગ કરશે.
આ ઉપરાંત સાયલેન્ટ ઝોનની પાસે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. આ વખતે ફટાકડા બજાર અને મિઠાઇઓના બજારમાં ગયા વર્ષની સરખામણીમાં મોંઘવારી વચ્ચે કિંમતો વધારે હોવા છતાં મોટાભાગે ખરીદી જોરદારરીતે થઇ રહી છે. જંગી ખરીદી કરનાર લોકો પહેલાથી જ આયોજન મુજબ ખરીદી કરી ચુક્યા છે જ્યારે છુટક ખરીદીનો માહોલ દિવાળી સુધી જારી રહેવાની શક્યતા છે. આજે રવિવારના દિવસે ખરીદીના હેતુસર મોટાભાગના પરિવારો ખરીદી માટે બહાર નિકળ્યા હતા. આવતીકાલે ધનતેરસ હોવાથી ધનતેરસના પ્રસંગે પણ શુભ ખરીદીનો માહોલ રહેશે જેમાં સોના-ચાંદીના સિક્કાઓ, સ્ટીલ અને અન્ય ધાતુઓના વાણસોની ખરીદી મોટાપાયે કરવામાં આવશે. આ ખરીદીને ખુબ શુભ ગણવામાં આવે છે જેથી ખરીદીને લઇને ગણતરીનો દોર ચાલી રહ્યો છે. ઓનલાઈન મોટા શોપ દ્વારા ડિસ્કાઉન્ટની જાહેરાતો પહેલાથી જ થઇ ચુકી છે. આનો લાભ પણ દિવાળી પર લોકો લઇ રહ્યા છે.