રવિવારે કલકત્તામાં ભારત બનામ વેસ્ટ ઇન્ડિઝ ટી૨૦ મેચની શરૂઆત પૂ્ર્વ સુકાની મોહમદ અઝહરૂદ્દીને ઘંટી વગાડીને કરી હતી. જેના પર ગૌતમ ગંભીરે રોષ વ્યક્ત કર્યો હતો. ગંભીરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી હતી કે ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયેલા અઝહરનું ઘંટી વગાડવું ઘણું નિરાશાજનક છે. ગંભીરે પોતાની ટ્વીટમાં બીસીસીઆઇના પ્રશસકો અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળને ટેગ કર્યા હતા.
ગંભીરે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે ભારતે આજે ઇડન પર જીત મેળવી પરંતુ હું દિલગીર છું કે બીસીસીઓઇ, સીઓઇ અને સીએબી હારી ગઇ. એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટ લોકો સામે ટોલરેન્સ નીતિ રવિવારે રજા પર રહી હતી. ગંભીરે આગળ લખ્યું હતું કે હું જાણું છું કે તેમને એચસીએની ચૂંટણી લડવાની પરવાનગી મળી છે તે છતાંય આશ્ચર્ચની વાત છે કે ઘંટી વાગતી રહી, હવે આશા કરૂ છું કે શક્તિઓ સાંભળી રહી હશે.
ઉલ્લેખનીય છે કે જ્યારે સૌરભ ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ બન્યા હતા, ત્યારે તેમણે કલકત્તાના મેદાન પર મેચની શરૂઆત ઘંટી વગાડીને કરવાની કરી હતી. ગાંગુલી લોર્ડસની પરમ્પરાને ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ પર લાવ્યા હતા. ત્યારથી અહીં મેચની શરૂઆત ઘંટી વગાડીને કરવાની રીત ચાલી આવી હતી. રવિવારે અહીં ટી૨૦ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અઝહરૂદ્દીને ઘંટી વગાડીને કરી હતી. નોંધનીય છે કે મેચ ફિક્સિંગ મામલે પૂર્વ સુકાની અઝહરૂદ્દીન આરોપોમાં ફસાઇ ચુક્યા છે.