દરગાહમાં રીતસર વાનરના મોત બાદ રામધુન બોલાવાઈ વાનરના મૃતદેહને વિધિવત રીતે ચોક્કસ સ્થળે દફન વિધિ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર વિવિધ રંગોથી રંગાયેલું છે જેમાં કોઈ નાત- જાત ધર્મને મહત્વ ન આપીને માત્ર માનવતાને જ અગ્રિમતા અપાય તેવા અનેક દાખલાઓનું સાક્ષી શહેર અમદાવાદ શહેર રહ્યું છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી દરગાહમાં શનિવારે એક વાનરનું મોત થયું હતું. આ દરગાહમાં નિયમિત લોકો પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. દરગાહમાં શનિવારના દિવસે વાનરનું મોત થતા દરગાહના મૌલવીએ સ્થાનિક હિંદુઓને તેની જાણ કરી હતી. દરગાહમાં રીતસર વાનરના મોત બાદ રામધુન બોલાવાઈ હતી. જેમાં હિંદુ- મુસ્લિમ તમામ લોકો જોડાયા હતા. ત્યારબાદ વાનરના મૃતદેહને વિધિવત રીતે દરગાહમાંથી બહાર લઈ જઈને ચોક્કસ સ્થળે દફન વિધિ કરવામાં આવી હતી.
આ ઘટનાએ હિંદુ- મુસ્લિમ એકતાનું એક અનેરૂ ઉદાહરણ પુરુ પાડ્યું છે. શાહપુરની સદુમાતાની પોળમાં રહેતા રમેશ રાઠોડે જણાવ્યું હતું કે અમને વાનરના મોત થયા હોવાની જાણ થતા અમારા ઘરની સામે આવેલી લગનશા પીરની દરગાહમાં અમે પહોંચ્યા ત્યારે દરગાહની દેખરેખ કરતા મૌલવીએ પણ અમારી સાથે વાનરની સ્મશાન યાત્રા કાઢવા માટેની બનતી મદદ કરી હતી.