ઉત્તર ગુજરાતમાં મોટેભાગે એરંડાનો પાક લેવાય છે. આ વખતે પાણી અને અન્ય કારણોસર ૪૦ ટકા જેટલો પાક સુકાઈ જવાથી ઓછું ઉત્પાદન થાય તેવા સંજોગો ઉભા થયા છે. ઊંઝા તાલુકાના અમુઢ સહિત સમગ્ર પંથકમાં મચ્છીનો રોગચાળો ઉપરાંત પાણીના અભાવે એરંડાનો ૩૦ થી ૪૦ ટકા પાક સુકાઈ જતા ખેડુતોની દીવાળી બગાડવાનો ભય ઉભો થયો છે. ઊંઝા તાલુકામાં ધરોઈની નહેરમાં ઘણા મહિનાઓથી પાણીનું ટીપુ નહી આપવાથી આગામી ઘઉ, જીરૃ રાયડો જેવા રવિ પાકોની વાવણીમાં રપ થી ૩૦ ટકા કાપ થવાની ભીતી સેવાઈ રહી છે.
ઊંઝા તાલુકાના અમુઢના સરપંચના જણાવ્યા પ્રમાણે આ વર્ષે હાલમાં ગામની સીમમાં લગભગ ૩૦૦ જેટલા વીઘામાં એરંડાનુ વાવેતર થયુ હતુ.
જેમાં મોઘી દવાઓ સહીત ભારે ખર્ચ કર્યા બાદ હાલમાં મચ્છીનો રોગચાળો તેમજ પાણીના અભાવે ૩૦ થી ૪૦ ટકા પાક સુકાઈ ગયો છે. બોરમાંથી બેથી ત્રણ વખત પાણી આપ્યા છતાં મચ્છીના ઉદભવથી પાકને ભારે નુકશાન થયુ છે. સાથે સાથે આ વિસ્તારમાંથી પસાર થતી ધરોઈની સિંચાઈની કેનાલોમાં છેલ્લા એકાદ વર્ષથી પાણી છોડવામાં નહી આવતા ખેતીના પાકોને ભારે અસર થઈ છે. ખેડૂતોને આર્થિક પાયમાલી થવાના ડરથી દિવાળી બગડે તેવી ભીતી છે.
બીજી તરફ હાલમાં કપાસ, રાયડો, ઘઉ, જીરૃ જેવા રવિ પાકોના વાવેતરમાં પણ પાણીના અભાવે રપ થી ૩૦ ટકા કપાત થાય તેવી શકયતાઓ પ્રબળ બની છે. નહેરમાંથી પાણીનુ ટીપુ નથી. બોર ઉપર સમગ્ર રવિ પાકનો આધાર રાખવો મુશ્કેલ છે.
ઊંઝા તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા ને એકાદ મહીનો પસાર થવા છતાં હજુ સુધી સહાય માટે કોઈ હિલચાલ નહી હોવાનુ સરકારી સુત્રો જણાવી રહ્યા છે.
આ વર્ષે ઊંઝા પંથકમાં માંડ ચારથી પાંચ ઈચ વરસાદ થયો હોવાથી અત્યારથી પાણીની તંગી વર્તાઈ રહી છે. ત્યારે આગામી ઉનાળામાં કેવી સ્થીતિ હશે? તે પ્રશ્નાર્થ છે. મોટે ભાગે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ ભર્યુ બની રહ્યુ છે.