ગીર અભ્યારણ્ય અને આસપાસનાં વિસ્તારોમાં સિંહોનાં મૃત્યુ ચાલુ જ છે. વન્યપ્રાણી પ્રેમીઓ માટે આ એક ચિંતાનો વિષય છે. આજે રવિવારે વધુ એક સિંહનું મોત થયું છે.
વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં વાવેરા રાઉન્ડમાં ૭ નવેમ્બરનાં રોજ ફેરણા દરમિયાન ૨ થી ૩ વર્ષનો સિંહ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. સિંહને ઘાયલ હાલતમાં રેસ્ક્યુ કરીને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, સિંહને ઇન્ફાઇટનાં કારણે ઇજા પહોંચી હતી અને પછી જે જગ્યાએ ઇજા થઇ હતી ત્યાં જિંવાત પડી ગઇ હતી. આ સિંહનું સારવાર દરમિયાન આજે (રવિવારે) મોત થયુ હતું. વન વિભાગે જણાવ્યું છે કે, સિંહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે અને વધુ તપાસ અર્થે નમૂના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ગીર પુર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં રોણીયા વિસ્તારમાં ૨૩ સિંહોના મોત થયા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(ઝ્રડ્ઢફ) હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગના કુતરાઓમાંથી ફેલાય છે. ગીર અભ્યારણ્યમાં ૧૧ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન કુલ ૨૩ સિંહોના મોત થતા સમગ્ર દેશમાં સિંહોની સલામતી મામલે ચર્ચા જાગી હતી. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને બબેસિયા રોગથી ૧૯૯૪માં તાન્જાનિયામાં ૧૦૦૦થી વધારે સિંહોનાં મોત નિપજ્યા હતા. આ વાતથી વન્યપ્રાણી પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઇ છે. ગીર ફોરેસ્ટ એશિયાટીક સિંહો માટેનું છેલ્લુ ઘર છે. આ સિંહો વિશ્વમાં બીજે ક્યાંય નથી.
સિંહોની છેલ્લી ગણતરી (૨૦૧૫) પ્રમાણે, ગીર અભ્યારણ્ય અને તેની આસપાસનાં વિસ્તારમાં ૫૨૩ સિંહો છે. આ સંખ્યામાં વધારો થતો રહે છે.