૬૦૦ કરોડના મોટા કૌભાંડમાં જનાર્દન રેડ્ડીની થયેલી ધરપકડ

715

૬૦૦ કરોડ રૂપિયાની પોન્જી મૂડીરોકાણ સ્કીમ કેસના સંદર્ભમાં આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ રાજ્યમંત્રી જનાર્દન રેડ્ડીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી લીધી છે. તેમના ઉપર મની લોન્ડરિંગ અને મુખ્ય આરોપીને પૈસાના ગેરકાનૂની લેવડદેવડમાં મદદ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ પહેલા તપાસ અધિકારી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એસ ગિરીશને દૂર કરવાની માંગ પણ રેડ્ડી દ્વારા કરવામાં આવી હતી.

૬૦૦ કરોડ રૂપિયાના મોટા કૌભાંડમાં પૂર્વ રાજ્યમંત્રી જનાર્દન રેડ્ડીની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમના સમર્થકોમાં સોપો પડી ગયો છે.

રેડ્ડી શનિવારના દિવસે જ તપાસ સંસ્થા સમક્ષ ઉપસ્થિત થયા હતા અને ત્યારબાદ તેમની પુછપરછનો દોર શરૂ થયો હતો. ક્રાઈમ બ્રાંચ પહેલાથી જ રેડ્ડીને ધરપકડ કરીને પૂછપરછ કરવા વિચારી રહી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, દસ્તાવેજો તૈયાર કરી લેવામાં આવ્યા છે. બીજી બાજુ રેડ્ડીએ કૌભાંડમાં કોઇ હાથ હોવાનો ઇન્કાર કરી દીધો છે. ગીરીશને દૂર કરવાની માંગ ઉપર પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ગિરીશની સામે તેમના પગલાથી તેમની નારાજગી દેખાઈ રહી છે.  રાજનેતાઓ આ પ્રકારના અધિકારીઓને દૂર કરવાની માંગણી સતત કરતા રહે છે. ગિરીશે છેલ્લા ૧૦ વર્ષમાં અનેક જગ્યાઓએ દરોડા પાડ્યા છે. નેતાઓને પણ પકડી પાડવામાં આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૧માં પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા અને તેમના જમાઈના આવાસ ઉપર તથા ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. જનાર્દન રેડ્ડી ઉપર દિન પ્રતિદિન સકંજો વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમની પુછપરછનો સિલસિલો યથાવતરીતે જારી રહેશે. તેમની તકલીફ ઓછી નહીં થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

Previous articleલાભ પાંચમ : શહેરમાં તમામ બજાર આજથી ફરી ધમધમતા
Next articleકોંગ્રેસ મ.પ્રદેશમાં સત્તામાં આવશે તો સરકારી ઈમારતો-સંકુલમાં સંઘ પર પ્રતિબંધ લાદશે