લાભપાંચમથી મુખ્યમંત્રી રૂપાણીએ શરૂ કર્યું કામકાજ, પ્રથમ દિવસે કચ્છની સમીક્ષા કરી

687

દીપાવલિ પર્વની જાહેર રજાઓ બાદ લાભપંચમીએ કામકાજ શરુ કરતાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પ્રથમ દિવસે કચ્છ જિલ્લાની અછત પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. તેમણે  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કચ્છ કલેક્ટર- જિલ્લા વહીવટીતંત્ર પાસેથી ચિતાર મેળવ્યો હતો. જેમાં કચ્છ જિલ્લાની ઘાસચારા, પાણી પુરવઠા તથા અન્ય કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કચ્છમાં અત્યાર સુધીમાં ૩ કરોડ કિ.ગ્રામ ઘાસની પશુધન માટે ફાળવણી અને  ૨ કરોડ ૪૮ લાખ કિલોગ્રામ ઘાસનું વિતરણ-ઉપાડ થયો છે.ગૌશાળા- પાંજરાપોળોને પશુ દીઠ ૨૫ રૂપિયાની સબસિડી અંતર્ગત ૬ કરોડ, ૩૪ લાખની  રકમ ફાળવાઈ  હતી તેમજ જિલ્લાના ૧૦ તાલુકામાં ૨૦૪ ઘાસ ડેપો કાર્યરત કરવામાં આવ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

કચ્છ જિલ્લાના કલેક્ટર અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે જિલ્લાની તલસ્પર્શી અછત રાહત સમીક્ષા હાથ ધરી હતી.  અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં પશુધન માટે ૪ રેલવે રેક તેમજ ટ્રકો દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડથી ઘાસચારો આવેલો છે તે પશુઓને – પશુપાલકોને પૂરતા પ્રમાણમાં મળી રહે છે તેની વિગતો જિલ્લા કલેક્ટર પાસેથી મેળવી હતી. કચ્છ જિલ્લા કલેક્ટરે સીએમને આપેલી માહિતી મુજબ  અછતગ્રસ્ત કચ્છ માટે ૧ કરોડ કિ.ગ્રા. ઘાસની ફાળવણી વલસાડ જિલ્લામાંથી કરવામાં આવી છે. દીપાવલિના દિવસો દરમિયાન પશુપાલકોને ઘાસચારો પૂરતી માત્રામાં મળી રહે તે માટે ત્રણ દિવસ સુધી અંદાજે ૨૪લાખ કિલો ઘાસ ૧૦ તાલુકાના ૨૦૪ ઘાસ ડેપો પર ઉપલબ્ધ બનાવવામાં આવ્યું હતું.  સમગ્રતયા કચ્છ જિલ્લામાં ફાળવાયેલ ૩ કરોડ કિ.ગ્રા. ઘાસમાંથી ૧૧ નવેમ્બર- ૨૦૧૮ સુધીમાં જિલ્લા તંત્ર દ્વારા ૨ કરોડ ૮ લાખ ૩૪ હજાર કિ.ગ્રા. ઘાસનો ઉપાડ કરવામાં આવ્યો છે. ઓક્ટોબર સુધીમાં પાંજરાપોળ- ગૌશાળાઓને કુલ ૩૮.૩૪ લાખ કિ.ગ્રા. ઘાસ વિતરણ સાથે અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં સમગ્રતયા ૨ કરોડ ૪૮ લાખ કિ.ગ્રા. ઘાસનું વિતરણ થયું છે. રાજ્ય સરકાર દ્વારા ૧ ઓક્ટોબરથી પશુદિઠ રૂ. ૨૫ની સબસિડી આપવામાં આવે છે.

આ અન્વયે અત્યાર સુધીમાં ૬ કરોડ ૩૪ લાખ રૂપિયાની રકમ જિલ્લાની ગૌશાળા-પાંજરાપોળ માટે જિલ્લાતંત્રને ફાળવવામાં આવી છે.

આગામી દિવસોમાં સીએમ કચ્છની મુલાકાત લઇને અછતની સ્થિતિને પહોચી વળવા માટે જિલ્લા તંત્રની સજ્જતાની સમીક્ષા કરશે. તેમણે લાભપંચમીથી રાજ્યની જિલ્લા કલેક્ટર કચેરીઓમાં બિન ખેતી- દ્ગછ પ્રક્રિયા ઓનલાઇન કરવાના થયેલા પ્રારંભ સંદર્ભમાં કચ્છ જિલ્લામાં આ માટે સોફ્‌ટવેર અપડેશન તેમજ અન્ય તકનિકી કામગીરીની પણ સમીક્ષા હાથ ધરી હતી.

Previous articleરેપ કેસ : ગુજરાતના પૂર્વ ધારાસભ્ય પર સકંજો
Next articleસુષ્મિતા સેને રિલેશનશીપ મામલે અંતે કરેલો ખુલાસો