અમિતાભ બચ્ચન ૭૬ વર્ષની ઉંમરમાં પણ શો અને ઇવેન્ટ્સ દરમ્યાન એનર્જીથી ભરપૂર નજરે ચડે છે. પશ્ચિમ બંગાળના જમાઈ કહેવાતા અમિતાભ બચ્ચન રવિવારે કોલકતા પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૨૪મા કોલકતા ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યુ. આ દરમ્યાન અમિતાભ બચ્ચને મમતા બેનર્જીને કહ્યું કે તેમને બીજી વખત સમારોહમાં ન બોલાવતા. બિગ બીની વાતનો જવાબ આપતા સીએમ મમતાએ કહ્યું કે તે બોલાવશે જ. અમિતાભ બચ્ચનનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ઘણો પસંદ થઈ રહ્યો છે. હકીકતમાં કાર્યક્રમમાં ભાષણ વખતે બિગ બીએ મજાકમાં મમતા બેનર્જીને કહ્યું, હું મુખ્યમંત્રી સાહિબાને વિનંતી કરું છું કે મને બીજી વખત નિમંત્રણ ન આપતા. મારી પાસે હવે બોલવા માટે કંઈ પણ નવું રહ્યું નથી. પરંતુ તે મારું સાંભળતા જ ન નથી એટલે મારે આવવું પડે છે. મેં એક વખત નહીં પરંતુ કેટલીય વખત તેમને કહ્યું છે. હવે હું બંગાળીમાં બોલી રહ્યો છું. મમતા દીદી, મને આશા છે કે હવે તમે આ વખતે સમજશો. કૃપયા મને છોડી દો. બિગ-બીની વાત સાંભળીને હાજર સૌ કોઈ હસી પડ્યાં હતાં. પરંતુ મમતા બેનર્જીએ અમિતભા બચ્ચનની વાત સાંભળીને પોતાનું માથું હલાવ્યું. મમતા બેનર્જીએ ઈશારો કર્યો કે તે બિગ બીને હંમેશા બોલાવશે જ. બાદમાં મમતા બેનર્જીએ પોતાના ભાષણમાં કહ્યું કે હું એ કહેવા માંગુ છું કે બચ્ચનજી તમારે ૨૫મા કોલકતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં પણ આવવું જ પડશે.