સ્વિટ્ઝર્લેન્ડના સ્ટાર ખેલાડી રોજર ફેડરર માટે વર્ષની અંતિમ ટૂર્નામેન્ટ એટીપી ફાઇનલ્સની શરૂઆત સારી રહી નથી. ફેડરરનો આ ટૂર્નામેન્ટના રાઉન્ડ-રોબિનના પ્રથમ મેચમાં જાપાનના અનુભવી ખેલાડી કેઈ નિશિકોરી સામે પરાજય થયો હતો. વર્લ્ડ નંબર-૩ ફેડરરને નિશિકોરીએ ૭-૬ (૪), ૬-૩થી પરાજય આપ્યો અને જીતની સાથે આ ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી.
છેલ્લા બે મહિનામાં ફેડરરે નિશિકોરીને બે વખત હરાવ્યો હતો પરંતુ આ વખતે જાપાની ખેલાડી વિરુદ્ધ જીત મેળવવામાં અસફળ રહ્યો હતો. મેચ બાદ ફેડરરે કહ્યું, મને લાગે છે કે પ્રથમ સેટમાં અમે બંન્નેએ ઘણો સંઘર્ષ કર્યો. મને તક મળી પરંતુ હું ફાયદો ઉઠાવી શક્યો નહીં.
ફેડરરે પ્રથમ સેટમાં સંઘર્ષ કર્યો પરંતુ તે ૬-૭થી હારી ગયો. બીજા સેટમાં જાપાની ખેલાડી નિશિકોરીને વધુ મહેનત ન કરવી પડી અને તેણે ૬-૩થી જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.