શહેરના નારી ચોકડી ખાતે અમુક પરપ્રાંતિય લોકો આફ્રીકન પક્ષી ગીની ફાઉલ (રામ તેતર) નામના પક્ષીઓ મોટીસંખ્યામાં લાવી જાહેરમાં વેચાણ કરે છે તેવી હકીકત તંત્રને મળવા તુરંત નારી ચોકડી ખાતે દોડી જઈ મંજુરી વગર પક્ષીઓનું વેચાણ કરતા અટકાવી તેઓને ભાવનગરથી અન્ય જગ્યાએ જવા સુચના આપી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, નારી ચોકડી પાસે છેલ્લા બે દિવસથી યુપી-બિહારના શખ્સો આફ્રીકન ગીની ફાઉન નામના પક્ષીઓ આશરે ૧૦૦૦ની સંખ્યામાં લાવી ખુલ્લા વિસ્તારમાં રાખી વેચાણ કરતા હતા. જે બાબતની જાણ પોલેટ્રી અધિકારી એન.સી. પંડયાને થતાં તુરંત સ્ટાફ સાથે નારી ચોકડી દોડી ગયા હતા અને પક્ષીઓનું વેચાણ કરતા શખ્સો પાસે મંજુરી ન હોવાથી પોલીસને બોલાવી હતી તેમજ પક્ષીઓના સેમ્પલ લીધા હતા. ગીની ફાઉન પક્ષીનું વેચાણ જાહેરમાં ન કરી શકાય અને વેચાણ કરવા માટે મંજુરી લેવી જોઈએ તેમજ પક્ષીઓના સેમ્પલ લઈ લેબોરેટરી કરવા મોકલી આપ્યા છે સાથે આ શખ્સોને અન્ય જગ્યાએ ચાલ્યા જવા સુચના આપી હતી તેમ અધિકારી પંડયાએ જણાવ્યું હતું. આ બનાવ બનતા નારી ચોકડી ખાતે લોકોના ટોળા ઉમટી પડયા હતા.