મોહનદાસ ગાંધી દાદા અબ્દુલ્લાના અદાલતી કેસ માટે દક્ષિણ આફ્રિકા ખાસ ગયા હતા. આ કેસની કામગીરી દરમિયાન તેમનો દક્ષિણ એશિયાના અનેક લોકો સાથે પરિચય કેળવાયો. કેટલાક દુઃખી લોકો માટે મોહનદાસ ગાંધીએ સત્તાતંત્ર સમક્ષ તેની સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્નો શરૂ કર્યા. દરમ્યાન તેની સરકાર દ્વારા થતા અન્યાયો સામે પણ ગાંધીજીએ બંડ પોકારવાનું શરૂ કર્યું. તેમને ન્યાય અપાવવા રજૂઆતો, સંગઠનશક્તિ કામે લગાડી લોકોમાં પોતાનું ઠીક ઠીક પ્રભુત્વ ઊભું કર્યું. દરમિયાન ગાંધીજીને ભારત આવવાનું થયું. ભારત આવવા માટે ગાંધીજી આફ્રિકામાંથી નીકળે તે પહેલા ત્યાંના લોકોએ એક વચન માંગ્યું કે : ‘તેઓ જ્યારે ગાંધીજીને બોલાવે ત્યારે તેઓ હાજર થશે.’ તે શરતે ભારત આવેલા મોહનદાસ ગાંધીને તાબડતોબ દક્ષિણ આફ્રિકા આવી જવા ખબર મળે છે. ૧૮૯૩ના ડિસેમ્બરની પહેલી તારીખના રોજ ઉપડનાર સ્ટીમરમાં દક્ષિણ આફ્રિકા જવા માટે ગાંધીજી પોતાના પરિવાર સાથે નીકળે છે. તે વખતે ભારતમાં મુંબઈમાં અને બીજા શહેરોમાં પણ મરકીના રોગે માથું ઊંચક્યુ હતું. આથી ભારતમાંથી આફ્રિકા આવતા લોકોને શારીરિક તપાસ થયા પહેલા ડર્બનમાં પ્રવેશ મળતો નહોતો. તેથી ડર્બન પહોંચ્યા પછી આ શારીરિક તપાસ કરાવવી ગાંધીજીના પરિવાર માટે જરૂરી હોવાથી સ્થળ પર પહોંચવાનો વિલંબ તેમણે સહન કરવાનો જ હતો.
દરમિયાન દરિયામાં ભારે તોફાન જાગે છે. કપ્તાન માટે સ્ટીમર સંભાળવી, ઉતારુઓને સલામત પહોંચાડવા જાણે પડકાર બની જાય છે. પવનની અને પાણીની એવી તો ઝાપટો લાગે છે કે હમણાં સ્ટીમર તૂટશે અને ગાબડું પડવાથી પાણી સ્ટીમરમાં ઘૂસી જશે અને સ્ટીમર ડૂબશે. કાં તો સ્ટીમર ઊંધી પડશે. શું થશે તેના વિચારોમાં કપ્તાન સહિત બધા લોકો ગરકાવ થઈ જાય છે. માત્ર મોહનદાસ ગાંધી જાણે તોફાનને પડકાર ફેંકતા હોય તે રીતે વર્તી રહ્યા છે. બધાના ખબરઅંતર પૂછતા રહે છે. ભગવાનની પ્રાર્થના કરવા નિર્દેશ કરતા સૌ કોઈને હિંમત આપે છે. જોકે અનુભવી કપ્તાન માટે આ તોફાન નવું ન હતું, તેમ છતાં કપ્તાનના ચહેરા પર પણ ગભરાહટ દેખાતો હતો. ભજનકીર્તન કરતાં સ્ટીમરના લોકો જેમ તેમ સમય પસાર કરી રહ્યા હતા. પરંતુ મોહનદાસ ગાંધી માટે પોતાના ભાવિ જીવન માટે આ આવેલું તોફાન કશુંક સૂચવી રહ્યું હતું. તેના માટે આ જાગેલું બાહ્ય તોફાન આંતરિક તોફાન સામે લડવા શક્તિમાન બનાવવા માર્ગ પ્રસ્થાપિત કરી રહ્યું હતું. લગભગ ૨૪ કલાક ચાલેલું તોફાન આખરે શાંત પડે છે. કપ્તાન ઉતારુઓને જાહેરાત કરી જણાવે છે : ‘ તોફાન ગયું છે. હવે આપણે સૌ સલામત છીએ.’ લગભગ ત્રણ જ દિવસમાં સ્ટીમર ડર્બનના બારા પર પહોંચે છે. તેની લગોલગ ચાલી આવતી અને મુંબઈથી ઉપડેલી નાદરી સ્ટીમર પણ ડર્બન આવી પહોંચે છે. બંને સ્ટીમરનાં ઉતારુઓની શારીરિક તપાસ શરૂ થાય છે. નામ નોંધણી ચાલે છે. મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકા આવનાર ઉતારુની યાદીમાં નામ નોંધાતા ત્યાંના ગોરા લોકોને તેની ખબર પડે છે. અગાઉ આફ્રિકામાં ગોરા લોકો સામે જંગ ચલાવનાર મોહનદાસ ગાંધી પરત આવ્યા છે એવી ખબર પડતા વિરોધી લોકોનો ધસારો વધવા લાગે છે. માનો કે વિરોધનો વંટોળ ઉપડે છે. સ્ટીમરના કપ્તાનને અંગ્રેજ અધિકારી એસ્કમ્બેનો સંદેશ મળે છે કે, ‘ગાંધીને ત્યાં જ રોકી રાખશો. ગોરા લોકો તેના આગમનથી ઉશ્કેરાયા છે. તેનો જીવ જોખમમાં છે. સુપરિન્ટેન્ડેન્ટ ટેટમ તેને આવીને તેડી જશે. કપ્તાને આ સંદેશ મોહનદાસ ગાંધીને આપ્યો અને તેમણે તેમ કરવાથી સંમતિ પણ આપી. પરંતુ તે દરમિયાન મિસ્ટર લૉટન આવ્યા અને તેમણે કહ્યું કે : ‘ગાંધીને હું મારા જોખમે સાથે લઈ જાઉં છું.’ તેના પરિવારના સભ્યોને રૂસ્તમજી શેઠના ઘરે ગાડીમાં મોકલી આપી ગાંધીને કહે છેઃ ‘આપણે સરિયામ રસ્તે પગપાળા નીકળી જઈએ.’ મિસ્ટર લૉટન અને મોહનદાસ ગાંધી રૂસ્તમજી શેઠના ઘરે જવા પગપાળા નીકળે છે. રસ્તામાં કેટલાક ગોરા છોકરાઓ બૂમાબૂમ કરે છે. ગાંધીપ ગાંધી… ગાંધી… તેમાના કેટલાક લોકો તેના પર નકામા પદાર્થો ફેંકે છે. કેટલાક તમાચાઓ પણ મારવા લાગે છે. ગાંધીને તમ્મર ચડી જાય છે. પોતાની જાતને માંડ સંભાળે છે. રસ્તા પર આવતા મકાનના દરવાજાની જાળી પકડી ગાંધીજી માંડ સમતોલન રાખે છે. દરમિયાન ગાંધીજીના પરિચિત પોલીસ અધિકારી એલેકઝાન્ડરના પત્ની મિસિસ એલેક્ઝાન્ડર ગાંધીજીની વારે આવે છે. વરસાદ કે તડકો ન હોવા છતાં પોતાની છત્રી ખોલીને તે ગાંધીજીની બાજુમાં ઊભા રહી જાય છે. તેથી ટોળામાંથી કોઈ પણ હુમલો કરે તો તેની ઇજા મિસિસ એલેકઝાન્ડરને પણ થાય. તેથી ટોળાના લોકો થોડા શાંત પડી જાય છે. માંડ માંડ ગાંધીજીને મિસ્ટર લોટન રૂસ્તમજી શેઠના ઘર સુધી પહોંચાડે છે રૂસ્તમજી શેઠના ઘરની આસપાસ ગોરા લોકો ઘેરો ઘાલીઃ ‘ગાંધી અમને સોંપી દો.’ના નારા લગાવે છે. જોકે રૂસ્તમજી શેઠના ઘરમાં ભારે શાંતિ હતી પરંતુ બહાર હજારો લોકોના નારા સંભળાતા હતાઃ ‘ ગાંધી અમને સોંપો અમે અહીંથી ગાંધીને લીધા વિના જવાના નથી.’ અંગ્રેજ પોલીસ અધિકારીઓ માટે પણ આ ઘડીએ સંભાળવું કપરું થઈ પડ્યું હતું. આખરે કોઈ પોલીસ અધિકારીની કુશાગ્ર બુદ્ધિથી ગાંધીને વેશપલટો કરાવી ત્યાંથી સહીસલામત પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે અને પછી તે જ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવે છે કેઃ ‘અહીં ગાંધી નથી, તમારો શિકાર ક્યારનોય છટકી ગયો છે. રૂસ્તમજી શેઠનું મકાન તમે ઈચ્છો તો તપાસી શકો છો.’ ગોરા લોકો શરમિંદા બની પોતાની લીલા સંકેલી લે છે.
જેને આપણે અહિંસાના પૂજારી અને વિદેશી સલ્તનતના પાયા હચમચાવનાર મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ તેના, ખરા જીવનને કે તેમણે બીજા માટે વેઠેલા જોખમો અને અન્ય માટે ભોગવેલી તકલીફોને જાણી નથી. ગાંધીજીની વેદનાને આપણે કદી પામવાનો પ્રયત્ન કર્યો નથી. જેમણે કોઈપણ પ્રકારનું સત્તાનું સિંહાસન ભોગવ્યું નથી કે તે માટે તમન્ના રાખી નથી તેવા મહાન પુરુષ કે જેને ગીતાગાયક કૃષ્ણની માફક પ્રજાકલ્યાણનો ‘યજ્ઞપુરુષ’ કહી શકાય, તેવા મહાન વ્યક્તિને આઝાદ ભારતના નાગરિકે બંદૂકની ગોળીથી ઠાર કરી ભારતીય પ્રજાનું વાસ્તવિક ચિત્ર દુનિયાના લોકો સામે મૂક્યું છે-તે ઘટના જ આપણી સંવેદનહીનતા દર્શાવે છે.
જે દીપક પોતે સળગીને અન્યને પ્રકાશિત કરવા પ્રયત્ન કરે છે તે જ દીપકને આપણે બુઝાવી દઈએ છીએ. આપણે કદી એ પણ વિચારતા નથી કે સળગેલો દીપક એકાએક બુઝાઈ જશે તો અંધકાર આપણે પણ સહન કરવો પડશે. જે દેશની પરંપરા અન્યને સુખી કરવાની છે, અન્ય માટે પોતાની સંપત્તિ અર્પણ કરવાની છે. તે દેશની પ્રજા આજે ભ્રષ્ટ નેતૃત્વને કારણે ભરમાઈ રહી છે. કહેવાતા લોકતંત્રના નામે નેતાઓ દિવસે-દિવસે સાંઠગાંઠ કરી મોટી સંપત્તિ હડપી રહ્યા છે. વર્તમાન પત્રના પેઝના પેઝ ભરાઈ તેટલી ઘટનાઓ ભ્રષ્ટ નેતાઓ દ્વારા આચરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ દેશના અનેક શહીદો દ્વારા આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપી પ્રજાકલ્યાણ માટે સ્થપાયેલી લોકશાહી અનેક દૂષણોથી દિન-પ્રતિદિન દુષિત થઈ રહી છે. જાતિ, જ્ઞાતિ, ધાક-ધમકી, આડંબર, પોકળ વચનો જેવા નુસખા વડે સત્તા મેળવી લેતા નેતાઓ દરેક રાજકીય પક્ષમાં પારસમણિ કહેવાય છે. રાજકીય લાભ ખાટવા આવા નેતાઓ કોઇ પણ પક્ષમાં હોય પોતાની સાઠગાંઠ કરી ઇચ્છિત લાભ મેળવી લે છે. ગુજરાતી કહેવત અહીં ટાંકવા જેવી લાગે છે. ‘વર મારો, કન્યા મારો, મારું તરભાણું ભરો.’
મહાત્મા ગાંધીએ દેશને આઝાદ કરવા પોતાનું સમગ્ર જીવન હોડમાં મૂક્યું, કારણકે તેમણે પ્રજાની વેદના અનુભવી. તેમણે અનુભવેલી વેદનાના કારણે લાખો લોકોનો સહકાર તેમને મળ્યો. તેમાં માત્ર ભારતીય લોકો એ જ મહાત્મા ગાંધીને સહકાર આપ્યો છે તેમ ન કહી શકાય. આપણે જોયું કે દક્ષિણ આફ્રિકામાં પોલીસ અધિકારીના પત્ની મિસિસ એલેક્ઝાન્ડરે જોખમ ઉઠાવી ગાંધીજીનું રક્ષણ કર્યું હતું. ગાંધીની ખરી વેદના ઓળખી હતી, જાણી હતી. જેઓ પોતાની વેદના કોઈ અંગત સ્વાર્થ વિના સહન કરવા તૈયાર થાય છે ત્યારે તે ખરી સંવેદના પામી શકે છે. આપણા દેશની પ્રજાએ વિચારવાનો સમય પાકયો છે, કારણકે આજે સત્તાધીશો જે પ્રકારની જાહેરાતો કરે છે તેનું વાસ્તવિક પરિણામ આપણને જોવા મળતું નથી. તેનું કારણ આવા નેતાઓની પ્રજા પ્રત્યેની સંવેદનાનો અભાવ છે. જેને પ્રજાની ચિંતા નથી, જેઓ પ્રજાનું દુઃખ સમજી શકતા નથી કે સમજવા માગતા નથી, સમજી શકે તેવું દિલ ધરાવતા નથી તેવા નેતાઓ સત્તાના સિંહાસન પર બિરાજમાન હશે તો ગાંધી પછી લોકતંત્રનું પણ આજ નહિ તો કાલ ખૂન થશે કે હત્યા થશે તે નિશ્ચિત છે.
જે પ્રજાએ આઝાદી માટે આખું જીવન ખર્ચનાર મહાત્મા ગાંધીની સંવેદના જાણી નહીં તે પ્રજા ખરી લોકશાહી શી રીતે ભોગવી શકે? આપણે ત્યાં કહેવાય છે કેઃ ‘ જેવો રાજા તેવી પ્રજા, જેવી પ્રજા તેવો રાજા.’ જ્યાં સુધી કામચોરી, અન્યની સંપત્તિ ઝૂંટવી લેવી, એનકેન રીતે સઘળું તાબે કરવું-જેવા અવગુણોથી પ્રજા મુક્ત નહીં થઈ શકે ત્યાં સુધી આપણે ખરી લોકશાહીના ફળ ચાખી શકીશું નહીં, કારણ કે વેદના વિના સંવેદના જાગતી નથી. અર્પણ અને સમર્પણ એક સિક્કાની બે બાજુ હોય છે. જેટલું તમે સમર્પણ કરશો એટલું જ તમને અર્પણ થશે. ગાંધીએ જીવન સમર્પિત કર્યું અને પ્રજાએ તેને મહાત્માનું બિરુદ આપ્યું. વેદનાના વાદળો સંવેદનાની વર્ષા આપે છે માટે જ દુનિયાભરમાં આજે ગાંધીજીને મહાત્મા ગાંધી તરીકે ઓળખવામાં આવે છે.