ટીમ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઓનલાઇન મેટ્રીમોની પ્લેટફોર્મ ભારત મેટ્રીમોનીએ પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ભારત મેટ્રીમોની સાથે જોડાયા બાદ ધોનીએ કહ્યું, ”જેણે અનેક સફળ લગ્ન કરાવ્યાં છે તેવી બ્રાન્ડ સાથે જોડાવાથી હું ઘણો ખુશ છું.”
આ અંગેની જાણકારી આપતાં કંપની તરફથી જણાવાયું છે કે ધોનીની હાજરીવાળું જાહેરખબર અભિયાન ટૂંક સમયમાં શરૂ કરાશે. આ જાહેરાત પ્રિન્ટ, રેડિયો, ટેલિવિઝન તથા હોર્ડિંગ્સ પર જોવા મળશે.
કંપનીનાં સીઈઓ મુરુગવેલ જાનકીરમને કહ્યું, ”ધોની આ માટે યોગ્ય વિકલ્પ છે, કારણ કે તે યુવાઓનો પ્રેરણાસ્રોત છે. તેણે આ પ્રસિદ્ધિ તેની નેતૃત્વ ક્ષમતાના બળ પર હાંસલ કરી છે. ધોનીનું સુખી લગ્નજીવન, જવાબદાર પિતા અને સારા પતિ જેવી ખૂબીઓ બીજાને પણ પ્રેરિત કરે છે.”
૩૭ વર્ષીય ધોની ભારત માટે સૌથી વધારે ૯૩ ટી-૨૦ મેચ રમનારો ખેલાડી છે. તાજેતરમાં પૂરી થયેલી વિન્ડીઝ સામેની ટી-૨૦ અને ઓસ્ટ્રેલિયામાં રમાનારી આગામી ટી-૨૦ શ્રેણી માટેની ટીમમાંથી ધોનીને પડતો મૂકવામાં આવ્યો છે. ધોની હાલ કંગાળ ફોર્મના કારણે ટીકાઓનો સામનો કરી રહ્યો છે. આમ છતાં કોર્પોરેટ વર્લ્ડમાં ધોનીનો જલવો યથાવત્ છે. ધોની હજુ પણ ઘણી જાહેરાતમાં જોવા મળે છે.