કાગળની બચત અને ઝાડની સુરક્ષા માટે રેલ્વેતંત્ર દ્વારા ગુજરાત સહિત દેશનાં રેલવે સ્ટેશન પર ટ્રેનનાં આરક્ષિત ડબાઓ પર રિઝર્વેશન ચાર્ટ ન ચોંટાડવાનાં નિર્ણયને મળેલી સફળતા બાદ હવે રેલ્વેમાં સદંતર કાગળ પ્રથા બંધ કરવામાં આવી રહી છે. રેલ્વે તંત્રએ અમદાવાદ સહિતનાં રાજ્યનાં તમામ ઝોનને આદેશ આપી દીધો છે કે રેલવે દ્વારા ડિપાર્ટમેન્ટમાં થતા તમામ સર્ક્યુલર ફરજિયાત ઓનલાઇન કરવા. કાગળની બચતનાં ભાગરૂપે રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનમાં દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પણ મેઈલ અને વોટ્સએપ કે અન્ય માધ્યમથી ડિજિટલાઇઝ કરવામાં આવી છે. રેલ્વેનાં આ નિર્ણયથી અમદાવાદનાં રેલ્વે તંત્રમાં મહિને પ૦૦૦ જેટલા કાગળની બચત થશે.
રેલવેના તમામ સર્ક્યુલર હવે ઈ-ડાક દ્વારા મોકલવામાં આવશે. અધિકારી અને કર્મચારી લોગ ઇન પાસવર્ડ દ્વારા તેને જોઈ શકશે.
રેલ્વેનાં પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે કમ્પ્યૂટરમાં હાલમાં માત્ર ફાઈલ જ ચાલે છે તેમાં માત્ર ૧૦ કાગળના પ્રિન્ટિંગની લિમિટ છે. હવે સર્ક્યુલર બંધ પ૦૦ કાગળનું ર.૧૮ કિલો વજન થાય છે, છતાં મહિને પ૦૦૦થી વધુ કાગળની બચત થશે. તેથી મહિને ૧૧ કિલો જેટલા કાગળની બચત થશે.હાલમાં પણ પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે અનરિઝ્વર્ડ ટિકિટિંગ સિસ્ટમ (યુટીએસ) મોબાઇલ એપ કાર્યરત છે.
દિવાળીનાં વેકેશન દરમ્યાન હજારો મુસાફરોએ આ એપ દ્વારા ટિકિટ કઢાવી છે, જેનાં કારણે કાગળની બચત થઈ છે. મોબાઇલ પર કઢાવેલી ટિકિટનું પેમેન્ટ રેલવે-વોલેટ મારફતે કરાય છે. તેથી ટીટીઈને પ્રવાસ દરમિયાન માત્ર ડિજિટલ ટિકિટ જ બતાવવાની રહે છે. પ્રવાસીઓએ આર-વોલેટમાં લઘુતમ ૧૦૦ રૂપિયા અને મહત્તમ પ૦૦૦ રૂપિયાનું બેલેન્સ રાખવું જરૂરી છે.