પાટનગરમાં આવેલી ઇમારતોમાં સૌથી મોટી સંખ્યા સરકારી કચેરી અને સરકારી આવાસની છે. આ ઇમારતોની જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે. ત્યારે રાજ્યની સૌથી મોટી વહીવટી કચેરી એવા નવા સચિવાલયમાં નવીનીકરણ અને જરૂરી સમારકામ ચાલી રહ્યું છે. તેના માટેની દરખાસ્તને સરકારે વર્ષ પહેલા મંજુરી આપેલી છે.
પાટનગર યોજના વિભાગ દ્વારા રૂપીયા ૧૦.૨૪ કરોડના ખર્ચથી આ કામગીરી પૂર્ણ કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. પાટનગર યોજના વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે મોટાભાગે આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહીના સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમાં વિધાનસભા સકુલનો સમાવેશ નથી, તે કામગીરી અલગથી કરાઇ રહી છે.
સરદાર ભવન એટલે કે નવા સચિવાલયમાં ૧૪ પૈકીના વિવિધ બ્લોકના જુદા જુદા માળ પર આવેલી સરકારી કચેરીઓમાં જરૂરિયાત પ્રમાણે રિનોવેશનની કામગીરી કરી આપવામાં આવશે. તેના માટે સંબંધિત વિભાગોના વડા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તેમના સૂચન પણ મેળવવામાં આવ્યા છે.
સરકારી કચેરીઓમાં કરવામાં આવતી કામગીરીને કોર્પોરેટ ટચ આપવાની સાથો સાથ આ કચેરીઓને કોર્પોરેટ લૂક આપવાની યોજના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાશનકાળમાં શરૂ કરવામાં આવી હતી અને બિંબાઢાળ સરકારી કચેરીઓના બદલે જ્યાં બેસીને કામ કરવાની મજા આવે તેવી સ્થિતિ સર્જવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
જેના પગલે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન નવા અને જૂના બન્ને સચિવાલય ઉપરાંત ઉદ્યોગ ભવનમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. પાટનગરની વિવિધ ઇમારતોની જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે. ત્યારે રાજ્યની સૌથી મોટી વહીવટી કચેરી એવા નવા સચિવાલયમાં નવીનીકરણ અને જરૂરી સમારકામ ચાલી રહ્યું છે.તેથી આગામી સમયમાં આવી ઈમારતો નવા રંગરૂપમાં લોકોને જોવા મળી રહેશે.
નવા સચિવાલયમાં નવેસરથી નવીનીકરણના કામ હાથ ધરવામાં આવ્યું છે. તેના પાછળ થનારા ૧૦ કરોડથી વધુના ખર્ચ અંદાજને સરકાર તરફથી અગાઉ જ મંજૂરી આપી દેવાયેલી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.