ગુજરાત સરકારે કૌભાંડનું ઘર બની ગયેલા જમીન વિકાસ નિગમને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જળસંચયની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યા બાદ સરકારની પ્રતિષ્ટા ન ખરડાઈ તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલ મહિનામાં એસીબી (લાંચ રૂશ્વત વિરોધ શાખા)એ જમીન વિકાસ નિગમની કચેરીમાં દરોડાં પાડયાં હતાં. દરોડ દરમિયાન મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી. પરમાર, મદદનીશ નિયામક એમ.કે. દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા પાસેથી રૂ. ૬૦ લાખની આસપાસ રોકડ મળી આવી હતી. એટલું જ નહીં સાબરકાંઠા, પાટણ સહિતની અન્ય કચેરીઓ ખાતે તેમજ અધિકારીઓના નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અધિકારીઓ તરફથી લાખોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી હતી.
મળતી માહિતી પ્રમાણે સરકારે એસીબીને આ કૌભાંડની તપાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું. એસીબીના તપાસમાં માલુમ પડ્યું હતું કે જમીન વિકાસ નિગમમાં નીચેથી લઈને ઉપર સુધીના અધિકારીઓ તરફથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જે બાદમાં સરકારે નિગમને જ તાળું મારવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે જમીન વિકાસ નિગમનું કૌભાંડ બહાર આવ્યા બાદ કોંગ્રેસે સરકાર પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં સરકારને પણ એવું લાગ્યું હતું કે આ નિગમને ચાલુ રાખવાથી સરકારી પ્રતિષ્ઠા ખરડાઈ શકે છે.
હાલ જમીન વિકાસ નિગમમાં ૪૦૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. નિગમને તાળા લાગ્યા બાદ આ કર્મચારીઓને કોર્પોરેશન કે અન્ય કોઈ વિભાગમાં સમાવવામાં આવશે. આ ઉપરાંત હાલ આ નિગમ હેઠળ જે પણ યોજનાઓ ચાલી રહી છે તેને સિંચાઈ અને કૃષિ વિભાગ હેઠળ ચાલુ રાખવામાં આવશે. હાલ જમીન વિકાસ નિગમ હેઠળ જે મિલકતો રહી છે તેને સરકાર પોતાના હસ્તક લેશે, તેમજ તેનો ઉપયોગ અન્ય કોઈ સરકારી કામ માટે લેવામાં આવશે.
એસીબીની તપાસમાં માલુમ પડ્યું હતું કે જમીન વિકાસ નિગમ તરફથી ચાલતી અને યોજનાઓ માત્ર કાગળ પર ચાલતી હતી. ખેત તલાવડી યોજના પણ જમીન વિકાસ નિગમ હેઠળ જ આવતી હતી. આ યોજનામાં મોટા પાયે કટકી કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. એસીબીએ દરોડા પાડીને જમીન વિકાસ નિગમના જે અધિકારીઓની ધરપકડ કરી હતી તે હાલ જેલમાં બંધ છે. એટલું જ નહીં જેમની સામે કેસ નોંધાયેલા છે તેમની સામે કાર્યવાહી ચાલુ રહેશે.