છત્તિસગઢમાં માઓવાદીઓ દ્વારા ફરી એકવાર મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં બીએસએફના ચાર જવાનો સહિત છ લોકો ઘાયલ થયા છે. રાજયના બીજાપુર જિલ્લાતી કેટલાક અંતરે સ્થિત વિસ્તારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સુરક્ષા દળના ચાર જવાનો ઘાયલ થયા હતા. ઉપરાંત બે અન્ય લોકો ઘાયલ થયા હતા. છત્તિસગઢના બીજાપુરથી આશરે સાત કિલોમીટરના અંતરે સ્થિત બીજાપુર ગ્રામ્ય વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ થયેલા તમામ જવાનોને બીજાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સામ સામે ગોળીબાર પણ થયો હતો.સોમવારના દિવસે પણ છત્તિસગઢમાં માઓવાદીઓએ મતદાનના પ્રથમ તબક્કામાં કેટલીક જ્યાએ ગોળીબાર કર્યો હતો. નક્સલવાદીઓએ મતદાનના એક દિવસ પહેલા કાંકેરમાં છ બ્લાસ્ટ કર્યા હતા જેમાં એસઆઈ શહીદ થયા હતા. બીએસએફને ટાર્ગેટ બનાવીને સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા એસઆઈને રાયપુર લઇ જવાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી જેમાં એક નક્સલી ઠાર થયો હતો. છેલ્લા ૧૦ દિવસના ગાળામાં જ સુરક્ષા દલોએ બસ્તરમાં ૩૦૦થી પણ વધુ આઈઇડી જપ્ત કર્યા છે. છેલ્લા ૧૮ દિવસના ગાળામાં જ નક્સલવાદીઓ દ્વારા ડઝન જેટલા હુમલા કરવામાં આવી ચુક્યા છે જેમાં નેશનલ બ્રોડકાસ્ટર દૂરદર્શનના કેમેરામેન સહિત ૧૩ લોકોના મોત થઇ ચુક્યા છે. આ ઉપરાંત ૩૦મી ઓક્ટોબરના દિવસે દાંતેવાડાના આરનપુર વિસ્તારમાં માઓવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો જેમાં દુરદર્શનના કેમેરામેન ઉપરાંત ત્રણ પોલીસ જવાન શહીદ થયા હતા. ૨૭મી ઓક્ટોબરે માઓવાદીઓ દ્વારા બીજાપુર જિલ્લાના અવાપલ્લી વિસ્તારમાં લો કરાયો હતો જેમાં સીઆરપીએફના ચાર જવાન શહીદ થયા હતા. ૮મી નવેમ્બરના દિવસે નક્સલવાદીઓના દાંતેવાડા જિલ્લામાં કરાયેલા હુમલામાં ચાર નાગરિકોના મોત થયા હતા. સીઆઈએસએફના એક જવાનનું પણ મોત થયું હતું. આ વખતે ઇવીએમ પહોંચાડવા માટે પણ હેલિકોપ્ટરોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. બસ્તર અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ નક્સલીઓ સક્રિય થયેલા છે. નક્સલીઓ ચૂંટણી બહિષ્કારની વાત કરી ચુક્યા છે. છઠ્ઠી નવેમ્બરના દિવસે બીજાપુરના ઉસુર ગામમાં નક્સલીઓએ એક યાત્રી બસને આગ ચાંપી દીધી હતી. છત્તીસગઢમાં વિધાનસભા માટે યોજાઈ રહેલી ચૂંટણી દરમિયાન ભારે અંધાધૂંધી ફેલાઈ હતી. મતદાન દરમિયાન મોટી સંખ્યામાં લોકોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. મતદાન દરમિયાન નક્સલી અથડામણ થઇ હતી. જો કે, એકંદરે સુરક્ષા દળોએ સ્થિતિને કાબૂમાં રાખવામાં સફળતા મેળવી હતી.