શાકભાજી-કઠોળના ભાવ ઘટ્યા છતાં પણ WPI ફુગાવો ૫.૨૮

733

ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત નરમ પડ્યા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાથી હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં વધીને ચાર મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચી ગયો છે. આ ફુગાવો ૫.૨૮ ટકા સુધી પહોંચી ગયો છે. હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં ૫.૧૩ ટકા અને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ૩.૬૮ ટકા હતો. સરકાર દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું કે, ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં નરમાઈ જોવા મળી છે. આમા સપ્ટેમ્બરમાં ૦.૨૧ ટકાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં ૧.૪૯ ટકાનો ડિફ્લેશન જોવા મળ્યો છે. આ ગાળા દરમિયાન શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. શાકભાજીના ભાવ આ ગાળા દરમિયાન ૧૮.૬૫ ટકા ઘટી ગયા છે. અગાઉના મહિનામાં ૩.૮૩ ટકાની સામે ભાવમાં ઓક્ટોબર મહિનામાં ૧૮.૬૫ ટકાનો ઘટાડો થઇ ગયો છે. ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં ૧૬.૬૫ ટકાથી વધીને ૧૮.૪૪ ટકા થયો છે. વ્યક્તિગતરીતે પેટ્રોલ અને ડીઝલમાં ફુગાવો ૧૯.૮૫ ટકા અને ૨૩.૯૧ ટકા રહ્યો છે. આવી જ રીતે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ માટે ફુગાવો ઓક્ટોબર મહિના દરમિયાન ૩૧.૩૯ ટકા રહ્યો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની વાત કરવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં બટાકાની કિંમતમાં ૯૫.૬૫ ટકા સુધી વધી ગયા છે. સૌથી વધુ વધારો બટાકાની કિંમતમાં નોંધાયો છે. જ્યારે કઠોળની કિંમતમાં ૧૩.૯૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં ફુગાવો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો ચાર મહિનાની ઉંચી સપાટી ઉપર છે. આ પહેલા જૂન મહિનામાં આ દર ૫.૬૮ ટકાનો રહ્યો હતો. ડબલ્યુપીઆઈ ફુગાવો સતત વધી રહ્યો છે. આ સપાટી કરતા ઉંચો ફુગાવો જૂનમાં રહ્યો હતો તે વખતે ફુગાવો ૫.૬૮ ટકા નોંધાયો હતો.

કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો અથવા તો રિટેલ ફુગાવાના આંકડા ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા કરતા બિલકુલ અલગ રહ્યા છે. ઓક્ટોબર સીપીઆઈ ફુગાવાનો આંકડો આ વર્ષે ૩.૩૧ ટકાનો રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રિટેલ ફુગાવાની નોંધ હંમેશા લેવામાં આવે છે. નાણાંકીય નીતિ નક્કી કરતી વેળા આ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ગયા મહિને જારી કરવામાં આવેલી તેની ચોથી નાણાંકીય નીતિ સમીક્ષામાં રિઝર્વ બેંકે બેંચમાર્ક વ્યાજદરમાં યથાસ્થિતિ જાળવી રાખી હતી પરંતુ ચેતવણી આપી હતી કે, વૈશ્વિક નાણાંકીય સ્થિતિ કઠોર હોવાના કારણે સ્થિતિ વણસી શકે છે. સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ૩.૯થી ૪.૫ વચ્ચે આરબીઆઈ દ્વારા અંદાજવામાં આવ્યો છે.

Previous articleઇસરોની અંતરિક્ષમાં મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ GSAT-૨૯
Next articleઇટાલીમાં પરંપરાગત રીતે રામની થઇ લીલા : અંતે દિપીકા-રણવીરના લગ્ન