મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીર સ્વામીના રપ૦૦ વર્ષ બાદ ૪૮૦ દિવસનું કઠોર તપ કરનારા પૂજ્ય સાધુ ભગવંતો બહુ જ ઓછા છે. ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, દયા, પ્રેમ, કરૂણા, સંયમના ગુણોની પરંપરા તપના આધાર ઉપર જૈન સમાજમાં ઊભી થઇ છે. જૈન ધર્મમાં તપનો મહિમા વિશેષ છે.
પાલીતાણા ખાતે ૪૮૦ દિવસનું કઠોર તપ કરનાર પૂ.સા. સર્વેશ્વરીયશાજી મહારાજ સાહેબની ગુણરત્ન સવંત્સર મહાતપ તપશ્ચર્યાના ચરણોમાં વંદન-દર્શન કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુરૂ વંદના કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આત્માના કલ્યાણ માટે આપણા તીર્થંકરો કઠોર તપના માધ્યમથી શરીરને તપાવી આત્માને પ્રજવલિત કરી મોક્ષ સાથે જોડે છે. સ્વાર્થીપણું છોડી મોટા મન સાથે જીવવું એ જૈન ધર્મ છે. જન્મોજન્મના ફેરામાંથી છૂંટવું એ જૈન ધર્મ છે.
ગુજરાતની જનતા વતી વિશાળ સંખ્યામાં પૂજ્ય સાધુ ભગવંત મહારાજ સાહેબોને વંદન કરી તેમના આશીર્વાદ સર્વને સદા માટે મળતા રહે તેવી પ્રાર્થના કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં પવિત્રતા અને દિવ્યતા જળવાય તે માટે રાજ્ય સરકારે અનેક પગલા લીધા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે પગપાળા પ્રવાસ વિચરણ કરનારા સાધુ-સંતો અને પ્રજા માટે પગદંડીના વિકાસકામો હાથ ધર્યા છે. પાલીતાણાથી વલભીપુરની પગદંડી પુર્ણ કરી છે. અમદાવાદથી શંખેશ્વર પગદંડીનું કામ પણ શરૂ કરાશે, જેના કારણે પગપાળા યાત્રાળુઓને અકસ્માત થશે નહી અને જીવન સુરક્ષા મળશે. રાજ્યના પશુ-પંખીઓને અભયદાન મળે તે માટે કરૂણા અભિયાન અમલી બનાવું છે. સંપૂર્ણ ગૌવંશ હત્યાનો કાયદો વધુ કડક બનાવી આજીવન કેદની જોગવાઇઓ કરી છે. આમ રાજ્ય સરકારે ‘‘જીવો અને જીવવા દો’’નો મંત્ર સાકાર કર્યો છે. સત્તા માણવાનું નહીં સેવાનું સાધન છે તે અભિગમ સાથે સર્વના કલ્યાણ માટે રાજ્ય સરકાર કાર્યો કરે છે એમ તેમણે ઉમેર્યુ હતું.
પાલીતાણાની પવિત્ર ધરતી ઉપર કઠોર તપ કરીને જૈન મૂનિવર્યોએ વધુ દિવ્ય બનાવ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ અમર સ્વરૂપ પરિવારના મનીષભાઇ મહેતાએ ધર્મના સતકાર્યો માટે રૂા. ૪૮ કરોડના માતબર દાનની જાહેરાતને આવકારી અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ પૂ.સા. સર્વેશ્વરીયશાશ્રીજી મ.સા.ને તપેશ્વરી સર્વેશ્વરીનું બિરૂદ આપ્યું હતું. મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીએ પૂજ્ય સાધુ ભગવંત મહારાજ સાહેબને વંદન કરી આશીર્વાદ લીધા હતા. મનીષભાઇ મહેતાએ મુખ્યમંત્રીનું હાર, તિલક, શાલ, શ્રીફળ અને માતા પદ્માવતીની પ્રતિમા આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, નગરપાલિકા પ્રમુખ જયપાલસિંહ ગોહીલ, ધારાસભ્ય રાકેશભાઇ શાહ, પૂર્વ ધારાસભ્ય સુનીલભાઇ ઓઝા, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ સહિત વિશાળ સંખ્યામાં પૂજ્ય સાધુ ભગવંત મહારાજ સાહેબ ઉપસ્થિત રહયા હતા.