ગત આઇપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ગઈ કાલે જાહેરાત કરી છે કે આઇપીએલની ૨૦૧૯ની સિઝન માટે ૨૨ ખેલાડીઓને રિટેન કર્યા છે. ચેન્નઈએ ખિતાબ જીતનારી પોતાની ટીમમાંથી ફક્ત ત્રણ ખેલાડીને રિલીઝ કરી દીધાં છે. બે વર્ષનાં પ્રતિબંધ બાદ આઇપીએલમાં વાપસી કરતાં ચેન્નઈએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ૨૦૧૮ની સિઝનનો ખિતાબ જીતી લીધો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સે ફાસ્ટ બોલર માર્ક વૂડ ઉપરાંત ભારતીય ખેલાડીઓ કનિષ્ક સેઠ અને ક્ષિતિજ શર્માને રિલીઝ કરી દીધાં છે. ફ્રેંચાઇઝીઓને ૧૫ નવેમ્બર સુધીમાં આઇપીએલ સંચાલન પરિષદને આગામી મહિને યોજાનારી આઇપીએલ હરાજી માટે પોતાનાં રિટેન અને રિલીઝ કરાયેલાં ખેલાડીઓની જાણકારી આપવાની છે. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર કેદાર જાધવનાં વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવેલા ઈંગ્લેન્ડનાં ડેવિડ વિલીને ટીમમાં જાળરી રાખવામાં આવ્યો છે.
૨૦૧૮ની આઇપીએલની પહેલી જ મેચમાં જાધવને ઈજા થઈ હતી અને તે બાકીની ટૂર્નામેન્ટમાં રમી શક્યો ન હોતો. જો કે કેદારને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. માર્ક વૂડને ગત વર્ષે ફક્ત એક મેચમાં જ રમવાની તક મળી હતી, જ્યારે કનિષ્ત અને ક્ષિતિજ એક પણ મેચમાં રમ્યા ન હોતાં. ચેન્નઈની ટીમે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, હરભજનસિંહ અને રવિન્દ્ર જાડેજાને ૨૦૧૮ની હરાજી પહેલાં જ રિટેન કર્યા હતાં અને ડ્વેન બ્રાવો તથા ફાફ ડુ પ્લેસિસ માટે રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
ચેન્નઈએ ગત વર્ષે ન્યૂઝીલેન્ડનાં ઓલ રાઉન્ડર મિશેલ સેન્ટનરનો વિકલ્પ ન હોતો માગ્યો કે જે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. સેન્ટનર આ વર્ષે ટીમમાં વાપસી કરશે. આ વર્ષે હરાજીમાં સીએસકે પાસે સાડા આઠ કરોડ રૂપિયા રહેશે, જેમાંથી ૬.૫૦ કરોડ ગત સિઝનનાં છે. આ સિઝનમાં વધારાનાં બે કરોડ રૂપિયા ફ્રેંચાઇઝી પાસે ઉપલબ્ધ રહેશે.