દહેગામ માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે

619

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ગુરૂવારના રોજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થનાર છે. જેનું રજીસ્ટ્રેશન આગામી તારીખ ૩૦ નવેમ્બર સુધી કરવામાં આવશે. ગુરૂવારના રોજથી શરૂ થનાર મગફળીની ખરીદી દહેગામ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માર્કેટ યાર્ડ ખાતે શરૂ થનાર છે. જેના માટે અત્યાર સુધીમાં ૪૯૭૧ ખેડૂતો દ્વારા ૧૧૧૩ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા મગફળીના પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળે તે માટે એક મણના રૂા.૧૦૦૦ અને ક્વિન્ટલના રૂા.૫૦૦૦નો ભાવ નક્કી કરાયો છે. જેની ખરીદી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગુરૂવારના રોજથી શરૂ કરવામાં આવશે.

ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા ઇચ્છતા ૪૯૭૧ ખેડૂતો દ્વારા ૧૧૧૩ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુરૂવારથી રોજના ૫૦ જેટલા ખેડૂતો પાસેથી હેકટર દીઠ ૧૮૩૬ કિલો અને એક ખેડૂત પાસેથી ૨૫૦૦ કિલો મગફળી ખરીદવામાં આવનાર હોવાનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉન મેનેજર ધવલ પટેલે જણાવ્યુ હતુ.

વધુમાં તેમણે મગફળીનું વેચાણ કરવા માટે આવનાર ખેડૂતોને હાલાકી ન ભોગવવી પડે તેવું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવી રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોને મગફળીના વેચાણ માટેના મેસેજ મળનાર હોવાનું જણાવ્યુ હતુ.

Previous articleજેએમ ફાઈ. ક્રેડિટ સોલ્યુશન્સ લિ.નો ઈશ્યું ર૦ નવેમ્બરે ખુલશે
Next articleરીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલકને ગંભીર ઈજા