ગાંધીનગર જલારામ સેવા સમાજ, સેક્ટર ૨૯ ખાતે આવેલા જલારામ બાપાના મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. જે પાટનગરના વિવિધ માર્ગ પર ફરી હતી.બાદમાં જલારામ બાપાને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.
મહેસાણાના પાલાવાસણા નજીક જલારામ બાપાના મંદિરે બુધવારે જલારામ બાપાની ૨૧૯ મી જન્મજયંતીની ઊજવણી કરાઇ હતી.
જેમાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે પણ હાજરી આપી હતી. ભગવાનને સવારે અન્નકૂટ ધરાવાયો હતો. જ્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૮૮ બોટલ લોહી એકત્ર કરાયું હતું. આ પ્રસંગે સાંસદ જયશ્રીબેન પટેલ સહિત અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમનું આયોજન જલારામધામ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટે કર્યું હતું.
દહેગામ ખાતે પરમપૂજય જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ પાઠ, પૂજા, અર્ચના, મહાઆરતી, સુંદરકાંડ, મહા પ્રસાદ તેમજ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતાં શહેરના વિવિધ રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
જલારામ જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત બુધવારે બપોરે સાતગરનાળા નજીક આવેલા રસીના કારખાના પાસેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી જીઆઇડીસી સામે આવેલી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વાડી ખાતે પહોંચી હતી. જયાં જલારામપાઠ, પુજા અર્ચના, મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ.