સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ ૧૫ નવેમ્બરથી મગફળી ખરીદવાની શરૃઆત થશે ત્યારે હાલમાં નોંધણી કરાવવા ખેડૂતોની લાઈન લાગી રહી છે. પરંતુ નોંધણી કરવામાં ગેરરીતિ થઈ રહી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતા કર્મચારીઓ નોંધણી કેન્દ્ર છોડી નાસી ગયા હતા.
ચાલુ વર્ષે પણ ટેકાના ભાવે મગફળી કરીદી કરવાની જાહેરાત કરી હતી. જેમાં સરકારે નવેમ્બરથી નોંધણી કરાવવાની તેમજ ૧૫ નવેમ્બરથી ખરીદી કરવાની તારીખ આપી હતી.
જે અનુસંધાને બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડ ખાતે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૃ કરાયું હતું. જેમાં હાલમાં નોંધણી ચાલી રહી છે.
ત્યારે મંગળવારે ડીસા માર્કેટયાર્ડના ખેડૂતો આરામ કેન્દ્ર ખાતે ચાલી રહેલા નોંધણી કેન્દ્ર પર ખેડૂતો નોંધણી કરાવવા પહોંચ્યા હતા. ત્યારે ગેરરીતિ ચાલી રહી હોવાનો આક્ષેપ કરી ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. અનેક ખેડૂતો છેલ્લા દસ દિવસથી ધક્કા ખાતા હોવા છતાં તેમનો નંબર લાગ્યો નથી.
જ્યારે કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા વચ્ચે વેપારીઓના ફોર્મ લીધા હોવાની શંકા ખેડૂતોએ વ્યક્ત કરતા ઓપરેટરો ઓફીસ છોડી નાસી ગયા હતા. સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદીની જવાબદારી નાફેડ મારફતે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમને ાપી છે.
જેથી નોંધણી કરવાની અને ખરીદી કરવાની વ્યવસ્થા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવી છે અને પુરવઠા કલેક્ટર દ્વારા દરેક માર્કેટયાર્ડોમાં જરૃરી સ્ટાફ મુકી નોંધણી શરૃ કરી છે.
પરંતુ મોટાભાગના ખરીદ કેન્દ્રો પર સ્ટાફ જોવા મળતો ન હોવાથી ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે પણ ડીસા ખરીદ કેન્દ્ર પર જિલ્લા પુરવઠા કર્મચારી લગભગ અઢી કલાક મોડા આવતા ખેડૂતોએ તેઓ પર રોષ ઠાલવ્યો હતો.