કડીના થોળ અભ્યારણ્યમાં એક હજારથી વધુ વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચુક્યું છે. આ પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી છ માસ માટે ભારતમાં રહી માતા બનશે તેમજ બચ્ચાને મોટા કરી ફરી વતન ચાલ્યા જશે.
કડી તાલુકાના થોળ પાસે આવેલા થોળ પક્ષી અભ્યારણ્યએ વન્ય તેમજ પ્રાકૃતિક પ્રેમીઓ માટે ફરવાનું આકર્ષક સ્થળ બન્યું છે. આ અભ્યારણ્યમાં વર્ષના સાત માસ દરમિયાન જુદી જુદી જાતના અને વિવિધ દેશોમાંથી આવીને પક્ષીઓ અહીંયા વિહાર કરતા હોય છે. જેના લીધે પક્ષી પ્રેમીઓનો બહુ મોટી સંખ્યામાં ધસારો રહે છે.
અમદાવાદથી ૨૬ કિ.મી., મહેસાણાથી ૬૧ કિ.મી., તેમજ કડીથી ૩૬ કિ.મી.ના અંતરે આવેલું છે. આ અભ્યારણ્યમાં ૭ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. જેને કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૮૮માં અભ્યારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું.
આ અભ્યારણ્યમાં મુખ્યત્વે ઓક્ટોબર માસના અંતથી એપ્રિલ માસના અંત સુધી દેશ, વિદેશના વિવિધ જાતના પક્ષીઓ અહીં વિહાર કરતા જોવા મળે છે.
આ પક્ષીઓ આ છ માસના સમયગાળા દરમિયાન માળા બનાવી તેના બચ્ચાને જન્મ પણ આપે છે અને તેના ખોરાકની વ્યવસ્થા આજુબાજુના વિસ્તારમા ંથી કરી લે છે. આ અભ્યારણ્યનો વિસ્તાર કુદરતી હોવાથી મુક્ત રીતે વિહાર કરે છે.
અહીં છ મહિના દરમિયાન ૧૦૦૦થી વધુ પક્ષીઓમાં ક્રેસ, ફેલેમીંગો, ઘ્રીસ, બતકો, હેરોન સહિતના કેટલાય વિવિધ જાતના પક્ષીઓ અહીં વિહાર કરતા જોવા મળે છે. અહીંયા ભારતીય સારસ ક્રેન જોવા મળે છે. સામાન્ય રીતે થોળ તળાવના પાણીની સપાટી અત્યારના સમયમાં ૭ ફૂટ જેટલી હોય છે
વર્તમાન સમયમાં વરસાદ ઓછો થવાના કારણે અત્યારે હાલમાં પાણીની સપાટી પોણા ત્રણ ફૂટ જેટલી છે. આમ ઓછા પાણી હોવાના કારણે દર વર્ષે આવતા પક્ષીની સંખ્યા કરતા આ વર્ષે વધારે માત્રામાં પક્ષીઓની આવક નોંધાઈ છે. જેના કારણે આજુબાજુના લોકો અને પર્યટકોની સંખ્યામાં પણ વધારો થાય તેવી શક્યતા જણાઈ રહી છે.