હિમાચલ પ્રદેશના ઉંચાણવાળા વિસ્તારોમાં બુધવારે રાત્રે બરફવર્ષા થઈ છે. મનાલી અને શિમલા જિલ્લાના નારકંડામાં સીઝનની પહેલી હિમવર્ષા થઈ છે. જેનાથી વિસ્તારમાં પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે. તો કાશ્મીર ઘાટીના અનેક વિસ્તારોમાં પણ બુધવારે હિમપાત થયો. હવામાન વિભાગે એક બે દિવસમાં મેદાની વિસ્તારમાં સર્દી વધશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હિમાચલ પ્રદેશમાં શિમલા જિલ્લાના નારકંડા, કિન્નૌર જિલ્લાની સાંગલા અને કૂલ્લૂ જિલ્લાની સોલંગ ઘાટીમાં ગુરૂવારે બરફ વરસાદ થયો છે. લાહૌલ-સ્પીતિના કેયલોન્ગમાં સવારે તાપમાન માઈનસ ૩.૩ ડિગ્રી સેલ્સિયસ, મનાલીમાં માઈનસ ૧.૨, કલ્પામાં માઈનસ ૦.૮, કુફરીમાં માઈનસ ૦.૩ અને શિમલામાં ૩.૩ ડિગ્રી નોંધાઈ હતી. નવેમ્બરમાં બરફવર્ષા થવાથી આશા છે કે આ વખતે ક્રિસમસ અને નવા વર્ષે મોટા પ્રમાણમાં પર્યટકો ઉમટી પડશે.
લાહૌલ ખીણ સહીત રોહતાંગ, બારાલાચા, કુંજુમ, શિંકુલા, ઘેપન પીક, શિગરી ગ્લેશિયર, કુલતી નાલા, શિતીનાલા અને સીબી રેન્જમાં બરફવર્ષા ચાલી રહી છે. તેના સિવાય ખીણના રહેણાંક વિસ્તારો સિસ્સૂ, ગોંધલા, ખંગસર, યોચે, છીકા, રારિક, કેલાંગ, તાંદી, ગૌશાલ, મૂલિંગ અને યાંગલામાં હિમવર્ષા થઈ છે. તેની સાથે લાહૌલ સહીતના કુલ્લૂમાં કડકડતી ઠંડી પડી રહી છે. કુલ્લૂ અને લાહૌલના પહાડી વિસ્તારોમાં તાજી બરફવર્ષાને કારણે રોહતાંગ પાસ પર ત્રીજી વખત વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
આના પહેલા ૨૨ સપ્ટેમ્બરે લગભગ એક સપ્તાહ સુધી રોહતાંગ પાસ બંધ રહ્યો હતો. આ વખતે પાસ બંધ થવાને કારણે હવે લાહૌલ ખીણ પાંચ માસ સુધી દેશ-દુનિયાથી કપાયેલી રહેશે. બીઆરઓના કર્નલ એ. કે. અવસ્થીએ જણાવ્યુ છે કે હવે રોહતાંગ પાસ એપ્રિલમાં બહાલ થશે. લાહૌલ-સ્પીતિના ઉદયપુર પાસે મ્યાડ ખીણના સુરેડ નાળામાં વિશાળ હિમખંડ આવી ગયો હતો. તેના કારણે ખીણનો ઉદયપુરથી સંપર્ક કપાઈ ગયો હતો. શિમલામાં પણ છૂટાછવાયો વરસાદ પડયો છે.