રેલ્વેના કલાસ-ર અધિકારીના મકાનમાંથી અઢી લાખની ચોરી

1183

ભાવનગર રેલ્વેમાં કલાસ-ટુ તરીકે ફરજ બજાવતા અને કાળીયાબીડ સાગવાડીમાં રહેતા અધિકારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને તાળા તોડી અંદર પ્રવેશી  ૧.૬પ લાખની રોકડ, લેપટોપ, દાગીના મળી અઢી લાખના મુદ્દામાલની ચોરી કરી ગયાની નિલમબાગ પો. સ્ટે. માં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના કાળીયાબીડ સાગવાડીમાં બ્લોક નં. ૩૩૮-ર૪૪માં રહેતા અને ભાવનગર રેલ્વેમાં કલાસ-ર તરીકે ફરજ બજાવતા યુધિષ્ઠીરકુમાર અચલરામ ધામુ તા. ૩ નવેમ્બરના રોજ દિવાળી મનાવવા માટે પરિવાર સાથે તેના વતન રાજસ્થાન, જોધપુર ગયા હતા જે ૧ર દિવસ પછી આજે પરત ફરતા ઘરના દરવાજાના તાળા તુટેલા હતા અને ચોરી થયાનું માલુમ પડતા તુરંત નિલમબાગે પોલીસ મથકમાં જાણ કરતા નિલમબાગ પોલીસ સ્ટાફ તેમજ એલસીબી એસઓજી, ડોગસ્કવોર્ડ, એફએસએલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

મકાનમાંથી રોકડ રૂા. ૧,૬પ,૦૦ તથા લેનોવો કંપનીના બે લેપટોપ, હાર્ડડીસ્ક, ટેબલેટ, સોના-ચાંદીના દાગીના સહિત રૂા. ર,પ૧,પ૦૦ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. આર.જે.રેવર ચલાવી રહ્યા છે.

રેલ્વેના અધિકારીના ઘરમાં મસ મોટી ચોરી થયાની જાણ થતા કાળીયાબીડ સહિત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બે લેપટોપ ચોરાયા છે તે રેલ્વેના હોવાનું જાણવા મળેલ છે. ત્યારે પોલીસે પણ તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ છે.

Previous articleબોરતળાવમાં ડુબી જતા બે વિદ્યાર્થીઓના મોત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે